Nasvadi

આમરોલી ગામે સરકારી જમીનમાંથી 25 વૃક્ષો કપાયા, મામલતદારે તપાસ શરૂ કરી

લાકડા ચોરોની કારસ્તાનીએ ગ્રામ પંચાયતમાં ખળભળાટ, પાંચ શંકાસ્પદ નામ સામે આવ્યા
વનવિભાગની ભૂમિકા પર સવાલ, પર્યાવરણને નુકસાન અંગે ચિંતા વધતી

નસવાડી: નસવાડી તાલુકાના આમરોલી ગામે સરકારી પડતર સર્વે નંબર 12માંથી આશરે 25 જેટલા વૃક્ષો કાપી લઈ જવાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે. ઘટના અંગે જાણ થતા નસવાડી મામલતદાર નીતિનભાઈ દરજીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અજાણ્યા તસ્કરોએ સરકારી જમીનમાંથી વૃક્ષો કાપીને લાકડાની ચોરી કરી છે. સ્થાનિક લોકોના નિવેદનના આધારે હાલ પાંચ જેટલા શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે, જેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાએ ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ સ્થાનિકોમાં ખળભળાટ મચાવ્યો છે. એટલી મોટી સંખ્યામાં વૃક્ષો કાપવામાં આવ્યા છતાં વનવિભાગને જાણ ન થવી એ પણ સવાલો ઉભા કરે છે. નિયમ મુજબ વનવિભાગની મંજૂરી વગર વૃક્ષો કાપી શકાતા નથી, છતાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કેવી રીતે થઈ તે તપાસનો વિષય બન્યો છે.
સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી નસવાડી તાલુકામાં વૃક્ષ નિકંદનની પ્રવૃત્તિ વધતી જઈ રહી છે, જે પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય છે. વનવિભાગ દ્વારા આ મામલે સખત કાર્યવાહી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માંગ ઉઠી રહી છે.

રિપોર્ટર: સર્વેઝ મેમણ

Most Popular

To Top