મહાઆપત્તિકાળ સમો ‘કાળમુખો – કાળ’ આજે નહીં તો કાલે જરૂર પૂરો થશે જ. અંધકાર પર પ્રકાશના વિજયરૂપ એક નવો સૂર્યોદય થશે. પરંતુ કદાચ એ આભાસી હશે! પછી શું? વસ્તીના વિસ્ફોટ સમાન મહાસાગર તો ઘુઘવતો ઊભેલો જ હશે. વિશ્વની માનવવસ્તી ફરીથી કોઇ નવા રોગની લપેટમાં શા માટે ન આવી શકે? સાડા સાત ખરવ (750 અબજ)ની આસપાસની અધધધ – ફાટફાટ વસ્તી (લોકોનું જ તો પરાક્રમ છે ને?) વિશ્વની તમામ નેતાગીરી, વૈજ્ઞાનિકો, સમાજચિંતકો, મહાન લેખકો, ધર્મગુરુઓ વગેરે કહેવાતા માંધાતાઓએ ફરીથી વિચારવાનો સમય બરાબર પાકી ગયો છે. હવે પછીના નવા લાંબા ગાળાના એક સ્વસ્થ સમાજનું ઘડતર રક્ષણ કરવા માટે ‘રસીકરણને બદલે ખસીકરણ’ એટલે કે વસ્તીનિયંત્રણ બાબતે ઊંડાણથી વિચારવું પડશે.
મોટાં – ગીચ વસ્તીથી ઊભરાતાં શહેરોમાં રોગ ફેલાઇને વાયુવેગે મહારોગ બની જતો હોય છે. વિશ્વના પ્રાણ-પ્રશ્નોના મૂળમાં વસ્તીવધારો છૂપાઇને બેઠેલો છે. ગરીબી, બેકારી, ભૂખમરો, લૂંટફાટ, પર્યાવરણનો છેદ, ભ્રષ્ટાચાર, મોંઘવારી આ બધું કોને આભારી છે? (ચૂંટણી ટાણે નેતાઓને વસ્તી વહાલી લાગતી હોય છે!) કુટુંબ નિયોજન – વસ્તી નિયંત્રણ તેમજ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો ઘનિષ્ઠ બનાવીને પ્રજાજાગૃતિનું પવિત્ર કાર્ય કરવામાં આવે. દેશ – દુનિયાને જીવવાલાયક બનાવવા તેમજ પૃથ્વી – પર્યાવરણને બચાવવા માટે સાચી દિશા પકડવી પડશે. આવનાર નવી પેઢીને સલામતી આપવાની આપણી ફરજ બને છે. ચારિત્ર્યહીન (ચારિત્ર્યની વ્યાખ્યા ખૂબ જ વિશાળ છે. બાકી આભ ફાટે, ત્યારે થીંગડું નહીં ચાલે.
ભાઠા – રમેશ એમ. મોદી –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.