Business

આપણું જ્ઞાન નડે છે

એક મોટીવેશનલ સેમિનારમાં એક સ્પીકર બોલ્યા, ‘આજે હું તમને એક એવી વસ્તુની વાત કરવાનો છું કે જે તમારી પાસે હોય તો સારું છે.તે મેળવવા સતત કાર્યશીલ પણ રહેવું જ જોઈએ.તે વસ્તુ તમારા જીવનની પ્રગતિ માટે જરૂરી છે પરંતુ ક્યારેક તે જ વસ્તુ તમારા જીવનના માર્ગમાં અવરોધક બને છે, તમને આગળ વધતાં રોકે છે.’ vશ્રોતાજનો જાણવા ઉત્સુક બન્યા કે એવી કઈ વસ્તુ હશે કે જે પ્રગતિ માટે જરૂરી છે.સતત મેળવવા પ્રયત્ન કરતાં રહેવું જોઈએ અને તે જ વસ્તુ જીવનમાં આગળ વધવામાં અવરોધક બને છે. સ્પીકરે કહ્યું, ‘તે વસ્તુ છે આપણું ‘જ્ઞાન.આપણે જીવનમાં જે શીખીએ છીએ અને તેના પરથી આપણને જે જાણવા મળે છે, જે અનુભવ મળે છે તે આપણને ક્યારેક આગળ વધતાં રોકે છે એટલે કે આપણું જ્ઞાન જ આપણને નડે છે અને ઘણી વાર આપણે એ વાતથી અજાણ છીએ.’ આ સાંભળી શ્રોતાજનો એકદમ અવાચક થઈ ગયા.

જાણે સ્પીકરની બોલવામાં કૈંક ભૂલ થઇ કે પછી તેમની સાંભળવામાં ભૂલ થઇ.સ્પીકરને ખબર જ હતી કે તેમની વાત સાંભળીને શ્રોતાજનોને એક ધક્કો લાગશે જ. પછી સ્પીકરે પાછળ લાગેલા પડદા પર પ્રોજેક્ટરની મદદથી એક મોટા મધમાખીના શિલ્પનો ફોટો દેખાડ્યો અને પછી બોલ્યા કે, ‘કારની સફળ કંપની ફોર્ડના મુખ્ય દરવાજા પાસે આ મધમાખીનું મોટું શિલ્પ છે અને નીચે લખ્યું છે કે ‘કદ,માપ,વજન અને આકાર પ્રમાણે શારીરિક રચનાના વિજ્ઞાન મુજબ આ માખી કોઈ પણ સંજોગોમાં ઊડી શકે નહિ.પણ વિજ્ઞાન અને વિજ્ઞાનના કોઈ નિયમનું જ્ઞાન આ માખીને ખબર ન હોવાથી તે આરામથી ઊડી શકે છે.’ સ્પીકર આગળ બોલ્યા, ‘ઘણી વાર આપણને ખ્યાલ જ નથી હોતો કે આપણું જ્ઞાન અને જાણકારી જ આપણને જેટલાં નડે છે એટલું બીજું કંઈ નથી નડતું.આપણું જ્ઞાન આપણને સાહસ કરતાં રોકે છે.નવું કૈંક શરૂ કરતાં અટકાવે છે. ‘આ વાત અશક્ય છે’ કે ‘આ કામ પાર પાડવું અઘરું છે.’ આ બધા વિચારો આપણને કામ શરૂ કરવા પહેલા જ તે કામથી દૂર ધકેલી દે છે અને જીવનમાં પ્રગતિ અટકી જાય છે માટે હંમેશા આપણું જ્ઞાન આપણને નડે નહિ તે માટે સજાગ રહેવું.જયારે આપણું જ્ઞાન આપણને કોઈ કામ કરતાં રોકે ત્યારે સજાગ રહીને અટકવું નહિ. નવા માર્ગે જ્ઞાનને સાથે લઈને આગળ વધવું અને નવા નવા રસ્તાઓ પર નવું નવું શીખતાં આગળ વધતાં રહેવું.’ સ્પીકરે એક નવો જ દૃષ્ટિકોણ સમજાવ્યો.
        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top