Business

આધુનિક ઋષિ

ઋષિકાર્ય કરવા માટે હાથમાં માળા કે ત્રિશૂળ ધારણ કરવાં કે કપાળે ટીલાં ટપકાં કરવાં ફરજિયાત નથી. આપણી જેમ સાદી રહેણીકરણી રાખીને પણ ઋષિકાર્ય થઈ શકે છે અને એનો દાખલો આપણા સુરતમાં શ્રી અનુપભાઈ શાહના સ્વરૂપે હાજર છે. ‘ગુજરાતમિત્ર’ની સત્સંગ પૂર્તિના એક વિદ્વાન લેખક શ્રી અનુપભાઈ શાહ રોજિંદી વ્યસ્ત જિંદગી વચ્ચે પણ સનાતન ધર્મ વિશે ઊંડું સંશોધન કરી સરળ ભાષામાં રજૂ કરી લોકો સુધી વિના મૂલ્યે પહોંચાડવાનું કામ એક ઋષિની નિષ્ઠાથી કરી રહ્યા છે. ‘પુરાણોને સમજવાની ભૂમિકા’ ,’ પરમાત્મા’ અને હવે ‘સાત્ત્વિક ઇચ્છાની પૂર્તિ માટે ૐ ‘ પુસ્તકનું સર્જન તેમણે કર્યું અને લોકો સુધી પહોંચાડવાનું આયોજન તેમણે હાથ ધર્યું છે.

સામાન્ય રીતે ધાર્મિક પ્રચાર માટેનું સાહિત્ય કરોડો અબજોનો ઉથલો કરતી સંસ્થા કે ટ્રસ્ટ કરતા હોય છે. તેમને પ્રચાર કાર્ય માટે ભંડોળ મળતા રહે છે પણ ગાંઠના ખર્ચે અને જાત મહેનતે આ બધું તૈયાર કરી જિજ્ઞાસુઓ સુધી તે વિનામૂલ્યે પહોંચે એવો દાખલો બીજો જોવા મળતો નથી. એ સાચું છે કે સનાતન ધર્મમાં કેટલાક સંપ્રદાય છે અને સંપ્રદાયો પોતપોતાની રીતે પ્રચાર કરતા હશે અને તેને તેના પ્રોત્સાહન આપનારાઓ મળી રહેતા હશે, પણ સનાતન ધર્મને સામુદાયિક રીતે અને સર્વગ્રાહી રીતે મેળવવાના પ્રયાસો બહુ થતા નથી એવા સંજોગોમાં શ્રી અનુપભાઈ શાહનું આ કાર્ય સાચા અર્થમાં પ્રશંસનીય છે. ખરેખર તો આને થેન્કલેસ જોબ જ કહેવાય. હકીકત એ છે આજે ધર્મના નામે રાજકારણ ખેલાય છે ત્યારે ભંડોળ મેળવવાનું તેમને માટે મુશ્કેલ ન હતું પણ તેમની દૃષ્ટિ કેવળ અને કેવળ સનાતન ધર્મના ઉત્કર્ષ માટેની છે એ તેમના આ સાહસ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. શ્રી અનુપભાઈ શાહ જે મહેનત કરે છે એ મહેનત વધુ ને વધુ સનાતનપ્રેમીઓ સુધી પહોંચે તે માટે આપણા પ્રયત્ન કરીએ તો  પણ એક જાતની ધર્મસેવા કહેવાશે અને શ્રી શાહને ટેકો આપ્યો ગણાશે. શ્રી અનુપભાઈ શાહ સનાતન ધર્મનાં ગૂઢ રહસ્યો આવી રીતે સરળ ભાષામાં લોકો સમક્ષ રજૂ કરતા રહેશે એવી આશા રાખીએ છીએ.
સુરત  – રિધ્ધીશ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત જનરલ હોસ્પિટલ
હમણાં જ મધુવન સર્કલ પાસે શેઠ પી. ટી. સુરત જનરલ હોસ્પિટલ ચાલુ થઈ. આ હોસ્પિટલ ચૌટા બજાર નજીક અસ્તિત્વમાં છે. પણ ચૌટા બજારમાં ફેરિયાઓના દબાણને કારણે એમ્બ્યુલન્સને હોસ્પીટલ સુધી જવામાં ઘણી તકલીફ પડતી હતી અને ક્યારેક તો સમયસર એમ્બ્યુલન્સ હોસ્પીટલ ન પહોંચી શકવાને કારણે ટ્રીટમેન્ટના અભાવે દર્દી મરણને શરણ થયાના દાખલા પણ હશે. ચૌટાનાં દબાણો દૂર કરવાની સુરત મ્યુ. કોર્પો. ની સરિયામ નિષ્ફળતા બાદ હોસ્પિટલના સત્તાવાળાઓએ નાછૂટકે એ સ્થળ છોડીને અન્યત્ર હોસ્પિટલનું સ્થળાંતર કરવું પડ્યું એવો આભાસ થયા વગર રહેતો નથી. હોસ્પિટલના સ્થળાંતર માટે અન્ય કારણો પણ હોઈ શકે છે, પણ તેમાંનું મહત્ત્વનું કારણ ઉપર જણાવ્યું તેમ ચૌટાનાં દબાણો હોઈ શકે છે અને જો તે સાચું હોય તો સુરત મ્યુ. કોર્પો. માટે અત્યંત શરમજનક બાબત ગણાવી જોઇએ અને સુરત શહેર માટે કમનસીબી ગણાવી જોઈએ કારણ કે પ્રજાના આરોગ્યની વ્યવસ્થિત સારસંભાળ રાખવા માટે એક હોસ્પિટલે મ્યુ. કોર્પો. ની ઉદાસીનતાને કારણે સ્થળાંતર કરવું પડ્યું. હજુ મોડું નથી થયું, સુરત મ્યુ. કોર્પો. ના સત્તાધારીઓની આંખ ઉઘડે તો સારું. આ ઉપરાંત શહેરની પ્રજાના પ્રાણપ્રશ્નો , જેમાંનો એક ગાંધીસ્મૃતિ ભવનના નવનિર્માણનો અને આખા શહેરમાં રસ્તાઓની જે દુર્દશા છે તેની યોગ્ય મરામત વગેરે તરફની ઉદાસીનતા ખંખેરવાની તાતી જરૂર છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top