મહારાષ્ટ્રમાં BJPના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સૌમૈયાએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું કે મહારાષ્ટ્રના એકલા જાલના જિલ્લામાં બાંગ્લાદેશી નાગરિકોને કુલ 8551 જન્મના દાખલા અપાયા હતા. જેમને જન્મના દાખલા આપવાની સત્તા નથી એ તાલુકાના નાયબ તહેસીલદારો તરફથી એ અપાયા હતા. તેનો અર્થ એ થાય કે આ તમામ ભારતમાં જન્મેલા હોવાથી આપોઆપ ભારતના નાગરિકો બની જાય છે. તેના થકી તેઓને આધાર કાર્ડ, રેશનકાર્ડ, ડોમિસાઈલ સર્ટિફિકેટ વગેરે મળી જાય છે. બીજો અર્થ એ થયો કે પૂરતા પુરાવા વગર દેશદ્રોહી તહેસીલદારોએ કંઇ મફતમાં દાખલા કાઢી આપ્યા નહીં હોય. સત્તા ન હોવા છતાં દાખલા કાઢી આપ્યા તે કાયદા વિરુદ્ધનું કૃત્ય તો છે જ. દેશ-વિરોધી કૃત્ય છે. જરૂરી તપાસ અને ત્વરિત તપાસ બાદ તેઓની અન્ય તાલુકામાં બદલી કરવાને બદલે તત્કાળ અસરથી લાંબો સમય માટે જેલમાં પૂરી દેવામાં આવે તો દેશવિરોધીઓની ગજવા-એ હિન્દી અને જેહાદી માનસિકતા પર લગામ મુકાશે. BJP સરકાર કે સરકારો વાત કરે છે એટલું અમલમાં નથી મૂકતી.
કિરીટ સોમૈયાએ જે રજૂઆત કરી છે તે હવાહવાઈ નથી. એમણે કહ્યું છે કે નાયબ તહેસીલદારોએ જે 8551 જન્મના જૂઠાં સર્ટિફિકેટો બનાવી આપ્યાં હતાં તેમાંથી માર્ચની 20 તારીખ અર્થાત ગુરુવાર સુધીમાં 3595 જન્મના દાખલા અધિકારીઓએ ભોપાળું પ્રગટ થતાં રદ કરી નાખ્યાં છે અને બાકીનાં જન્મનાં પ્રમાણપત્રો રદ કરવાની પ્રોસીજર ચાલી રહી છે. મહારાષ્ટ્રના 36 અને દેશના 788 જિલ્લામાંથી માત્ર એક જાલના જિલ્લામાં આ સ્થિતિ છે તો ત્રિરાશિ માંડો કે બાંગલાદેશમાંથી ભારતમાં કેટકેટલાં ઘૂસપેઠિયાં આવી ગયાં હશે. તેઓ માત્ર ધાર્મિક સંતુલન બગાડતાં નથી પણ રાહુલ ગાંધીના આ વહાલાઓ, ભારતના નાગરિકોની રોજીરોટી પણ મારી ખાય છે જેથી ભારતમાં બેરોજગારીની સમસ્યાની રાહુલ દુનિયાભરમાં જઇને બુમરાણ મચાવી શકે. જિલ્લા કક્ષાએ ઘૂસપેઠિયાઓને પકડવાનું આસાન છે પણ મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ વગેરે શહેરોમાંથી પકડવાનું મુશ્કેલ છે. ત્યાં ઝૂંપડપટ્ટીઓ અને ઉપનગરોમાં લાખોની સંખ્યામાં વસી ગયા છે. તેમાંય મમતા બેનરજીના કોલકોતામાં ભાષાની સમાનતા અને મમતાની મહેરને કારણે કેટલા આવીને વસી ગયા હશે તે નક્કી જ ન થઇ શકે. ગુજરાતની પોલીસ અને અધિકારીઓ નેશનલ હાઈવે પર આવેલી હોટેલો તેમ જ અન્ય હોટેલો કે રેસ્ટોરાં પર રેડ પાડે, ઝીણવટભરી ચકાસણી કરે તો મોટી સંખ્યામાં ઘૂસપેઠિયા પકડી શકાય તેમ છે પણ જયાં સરકારી નોકરોએ દેશની રક્ષા કરવાની હોય તેઓ જ ભક્ષક બને તો હાઈકોર્ટોના જજોના ઘરમાંથી કરોડો રૂપિયા જ હાથ લાગે.
શ્રી સોમૈયાના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 24 પોલીસ સ્ટેશનોમાં ઘૂસપેઠિયાઓ વિરૂદ્ધ FIR નોંધાવવામાં આવી છે, જેમાંથી 53 જણની ધરપકડ કરાઈ છે, જયારે બીજા 38 નાસી ગયા છે. આમાંના મોટા ભાગના મુસ્લિમ બાહુલ્ય ધરાવતાં માલેગામનાં છે અને ત્યાં જ આસપાસ કયાંક છુપાયા હોવાની શંકા છે. આ ષડયંત્ર રચવા માટે પકડાયેલા તમામ માલેગામના વતની હોવાનું કહેવાય છે.
ભારત સરકાર કયારેક કામગીરી બતાવવા 100-200 બાંગલાદેશીઓને બાંગલાદેશમાં પાછા મોકલી દે છે પણ તેઓને ભારતમાં ઘૂસતાં ડર લાગે એવા કોઇ કદમ ભરતી નથી કે ઝુંબેશ ચલાવતી નથી. દેશની પ્રજા કડક કામગીરી ઇચ્છતી હોવા છતાં BJP સરકાર ઉદાસ છે. હા, એક વધુ સિસ્ટમ એ લાવી રહી છે તેથી ઘુસપેઠિયાઓ માટે ભારતના નાગરિકો બનવાની વિધિ ઝંઝટવાળી અને લગભગ અશક્ય બની જશે. જયારે ભારતના નાગરિકો માટે આ ધન્ય સિસ્ટમ અપનાવવામાં આવી હતી ત્યારે પણ આવા દાવા થતા હતા પણ જયાં સરકારી તંત્રો તોડપાણી કરવાને મક્કમતાથી ટેવાયેલાં હોય ત્યાં જેલની કોઇ દીવાલો ઊંચી રહેતી નથી, દરવાજા સજ્જડ બંધ રહેતા નથી. કોઇ કમ્પ્યુટર સિસ્ટમ અભેદ્ય રહેતી નથી. વિચારો કે સોનિયા ગાંધીએ ઉત્તરપ્રદેશની 22 કરોડ ત્રસ્ત અને પીડિત જનતાની પરવા કર્યા વગર મુખ્તાર અન્સારી નામના ડોનને પંજાબની જેલમાં રાખવાની વ્યવસ્થા કરી. સરકારી ખર્ચે વકીલો રોકીને એને પંજાબની જેલમાં ફાઈવસ્ટાર ફેસિલિટી મળે તેની તજવીજ ત્યારના કોંગ્રેસી મુખ્ય મંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પાસે કરાવી. આ સોનિયાને શું ભારતની હિતેચ્છુ ગણવી કે દેશદ્રોહી? પછી વોટિંગ મશીનોને દોષ આપતા રહો. દેશ પ્રત્યે નિષ્ઠા નથી અને અક્કલ તો પાઈભારની નથી.
ભારતમાં સોનિયાપંથીઓનો એક વર્ગ છે. તેઓ દેશને હાનિ પહોંચાડવા માટે રાત-દિવસ લાગી પડશે. આવી અનેક મોટી સમસ્યાઓમાં એક ઘૂસપેઠિયાઓની છે. આધારકાર્ડ સાવ બેઅસર પુરવાર થયું નથી. તે પણ દીવાલ તરીકે કામ કરે છે પરંતુ ભારત સરકારે આધાર કાર્ડની સફળતાથી પ્રેરાઈને વધુ એક અભેદ્ય અને પારદર્શી યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ લાવવાની તૈયારી કરી છે, જેનાથી ઘૂસપેઠિયા ઉપરાંત માલમિલકત, જમીન, પશુ વગેરેને યુનિક નંબર અપાશે. આ બધી તમામેતમામ વિગતો દેશભરની કમ્પ્યુટર સિસ્ટમમાં સચવાયેલી હશે. પારદર્શક હશે જેથી જે કંઇ ખોટું કામ થશે તેને સિસ્ટમ પકડી પાડશે. કોઇના જન્મના કે મરણના ખોટા દાખલા ઇસ્યુ નહીં થઇ શકે. એટલું જ નહીં, પ્રોપર્ટી વગેરેના ઝગડા પણ સાવ ઓછા થઇ જશે. જો કે ઘણા અળવીતરાઓ તેનો એમ કહીને વિરોધ કરી રહ્યા છે કે નવી UID દેશમાં અમલદારશાહી ઘટાડવાના બદલે વધારશે. જો કે આધારકાર્ડની શરૂઆત કોંગ્રેસે કરી હતી પણ એ શરૂઆત ઝબૂક દીવડાની માફક થાય અને ઓલવાઈ જતી હતી. વચ્ચે બે ત્રણ વખત સરકારમાં હતા ત્યારે પી. ચિદમ્બર આ યોજના બંધ કરવામાં આવી છે તેની જાહેરાત કરી ચૂકયા હતા પણ ત્યાર સુધીમાં ભારત સરકારની મોટી રકમ ખર્ચ પાછળ વપરાઈ ગઇ હતી. નરેન્દ્ર મોદી સરકારે યોજનાને સજીવન કરી તેને વધુ ઘનિષ્ટ અને અસરકારક બનાવી છે. આજે મોબાઈલ સિમ કાર્ડ, પાસપોર્ટ, બેન્કમાં ખાતું ખોલાવવું તેમજ અન્ય સરકારી કામકાજો માટે એક આધાર કાર્ડ બસ થઇ પડે છે. અનેક ગુનાઓ પણ તેના થકી ઊકેલી શકાયા છે પણ મોદી સરકારે યોજનાને સજીવન કરી ત્યારે ખુદ કોંગ્રેસ જ તેનો વિરોધ કરી રહી હતી.
આધાર કાર્ડ આજે વ્યક્તિની કાયદાકીય ઓળખાણ છે. આંગળાઓની છાપ કે આંખના ડોળાઓની રચના દરેક વ્યક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે. તેમ જ કોઇ બે જણની આ ખાસિયતો એકબીજા સાથે મેચ થતી નથી. વળી સાથે ફોટોગ્રાફ પણ હોય. તેના થકી ભૂતિયા રેશન કાર્ડ, સરકારી સહાયોમાંથી નોકરશાહો દ્વારા ઉઠાંતરી વગેરે સદંતર બંધ થઇ ગયા છે. સરકારી કામકાજો માટે દાખલાઓ વગેરે મેળવવા માટે લોકોએ અહીંથી ત્યાં અને ત્યાંથી ત્યાં ધક્કા ખાવા પડતા નથી. સાવ નાના સરખાં સરકારી કામ માટે કાગળિયાઓના થોકડાનો ભાર અને માનસિક થાક વેઠવો પડતો નથી. 12 આંકડાનો આ યુનિક નંબર ભારતમાં તો લોકપ્રિય થયો છે, વિશ્વ પણ તેની પ્રશંસા કરે છે. છેલ્લાં 15 વરસમાં લગભગ તમામ ભારતીય નાગરિક આધારકાર્ડ ધરાવે છે. તેના થકી ભ્રષ્ટાચાર અને છેતરપિંડીઓમાં પણ ઘટાડો થયો છે. આગળ લખેલાં કામો અગાઉ પૂરાં કરવામાં કયારેક દિવસો અને મહિનાઓ લાગી જતાં હતાં તે થોડી મિનિટોમાં પતી જાય છે. આજે દેશની તમામ પ્રકારની સેવાઓ આધારકાર્ડ સાથે સાંકળી લેવામાં આવી છે. ત્યાં સુધી કે ટેલિફોન નંબર અને બેન્ક ખાતું લિન્ક હોય તો ઇન્કમટેકસના ભરેલાં નાણાં ફરીથી ખાતેદારનાં ખાતામાં બેચાર દિવસમાં જ જમા થઇ જાય છે. અગાઉ વરસ કે વરસો સુધી રાહ જોવી પડતી. નોકરી કરતાં અને આવકવેરો ભરતાં લોકો માટે, નાના વેપારીઓ માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે.
સરકારને પોતાના જ આધારકાર્ડની સફળતામાંથી પ્રેરણા મળી છે. સરકારે અન્ય પ્રકારના, અન્ય વ્યવસાયોનાં અલગ સમૂહોના લોકો માટે અલગ અલગ કાર્ડસ ઇસ્યુ કરવાની જાહેરાતો પણ કરી છે. જેમ કે ડૉકટરો, નર્સો, દરદીઓ, અંગોનું દાન કરવા ઇચ્છતાં લોકો તેમ જ દિવ્યાંગો વગેરેના અલગ અલગ જૂથો માટે ખાસ ID કાર્ડ અપાશે. ડિગ્રી વગરના અભણ ડૉકટરોનાં પાટિયાં બંધ થઇ જશે. જો કે ગામડાંઓ અને સ્લમોમાં બેનંબરી ડૉકટરો આજે પણ પ્રવૃત્ત છે અને વર્તમાન કાયદા હેઠળ તેઓને બંધ કરાવી શકાય છે પણ અધિકારીઓ રૂશ્વત લઇને તેઓને ચલાવવા દે છે અને આ રીતે નીમ હકીમોને લોકોને મારવાના લાઈસન્સ આપે છે. નવા કાર્ડથી આ ગેરરીતિ કેવી રીતે ઓછી થશે તે સવાલ છે પણ જરૂરી પડે ત્યારે અંગદાન, તબીબો, નર્સો વચ્ચેનું સંકલન ખૂબ ઉપયોગી થઇ પડશે. જો કે આધારકાર્ડની ઓળખ ડુપ્લીકેશન અટકાવવા માટે છે. આ નવા કાર્ડસને કારણે એક કરતાં વધુ કાર્ડસ રાખવા પડશે પરંતુ ફાયદા સામે આ કોઇ મોટી તકલીફ નથી.
શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિદેશમાંથી ભારતમાં ભણવા આવેલા લોકોને તેઓના સમૂહ પ્રમાણે નવાં ID કાર્ડ અપાશે. ખેલાડીઓ, ન્યાયાધીશો,ખેડૂત, છૂટક કારીગરો અને ગટર તેમ જ સેપ્ટિક ટેન્ક સાફ કરનારા લોકોને પણ એમના કામ મુજબ કાર્ડસ અપાશે. આજે ભારતના નાગરિકે, દુનિયાના તમામ દેશોના લોકોની માફક વિદેશગમન કરવું હોય તો પોતાનો પાસપોર્ટ રાખવો પડે છે તે ઉપરાંત રેશનકાર્ડ, વોટર (મતદાતા) કાર્ડસ, ડ્રાઈવિંગ લાઈસન્સ (જરૂરી હોય તો) અને વેરાઓ ભરવા માટેના યુનિક નંબરો રાખવા પડે છે. આધાર કાર્ડ તો ખરો જ. આ ઉપરાંત હવે એક વધુ નવું કાર્ડ રાખવું પડશે. કાર્ડસની વહેંચણી કે ફાળવણી માનવીઓ પૂરતી મર્યાદિત રહેવાની નથી. જમીનના પ્લોટ, ગામડાંનાં મકાનો, દૂધાળાં ઢોર કે પાળેલાં જાનવરો વગેરે તમામને UID અપાશે, જે તેની કાયદાકીય ઓળખ બની રહેશે. પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દરેક ભેંસ અને ગાયને નંબર અપાશે. ઘણાને આ થોડું વિચિત્ર જણાશે. તેઓના ફોટાગ્રાફ કે આઈરિસ(આંખના વર્તુળ)ની છાપ લેવાશે! ફોટોગ્રાફથી ફરક નહીં જાણી શકાય. શકય છે કે તેઓનાં શરીર સાથે કોઇ ઇલેક્ટ્રોનિકસ ટેગ લગાડી દેવામાં આવે. એક અખબાર લખે છે કે આ તો એક ડિજિટલ ઓળખાણ વડે બીજીમાં અને બીજી વડે ત્રીજીમાં પ્રવેશવાની વાત છે. ઘેટાં-બકરાંની ગણતરી થશે કે કેમ તે હજી જાણવા મળતું નથી. ભારત પાસે દુનિયામાં સૌથી વધુ 6 કરોડ 10 લાખ ગાયો છે. દુનિયામાં સૌથી વધુ 30 કરોડ દૂધાળાં ઢોર ભારતમાં છે. આ 30 કરોડને નંબરો આપવાની કામગીરી કોરોનાની રસી જેટલી અથવા વધુ મહેનત માગી લે છે અને તેમાં 8થી 9% વરસે મરણ પામતાં અને જન્મતાં હોય છે. એનિમલ હસબન્ડરી એન્ડ ડેરી ડેવલપમેન્ટ વિભાગ માટે આ કાયમની જહેમતભરી પ્રવૃત્તિ બની રહેશે અને તે સફળ થવાના આસાર ઓછા જણાય છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી સહાયથી બંધાયેલાં નિવાસસ્થાનોને જીઓ ટેગ ઓળખ અપાશે.આ યોજના અથવા યુનિક ID સાચા અને પ્રામાણિક માલિકો માટે ઉપયોગી બનશે. છેતરપિંડીઓ અટકશે. લોકો સરકારી સહાય મેળવી, બીજાઓને ગેરકાયદે મકાનો વેચીને રોકડી બનાવતા અટકશે. આ ઉપરાંત આવું કોઇ મકાન અસ્તિત્વ ધરાવે છે કે કેમ? તે જિલ્લાના કે રાજ્ય સરકારના કમ્પ્યુટરોના સેટેલાઈટ્સ સાથે સંકળાયેલા કેમેરા થકી હેડક્વાર્ટરમાં બેસીને જોઈ શકાશે. આમ થવાથી મકાનો માટે થતી ગોબાચારી અટકશે. આ પ્રકારના કાર્ડસની વ્યાપકતાનો વિરોધ કરી રહેલાઓનું કહેવું છે કે આવા અનેક ID આખરે ખર્ચાળ પુરવાર થશે. અધિકારીઓ, પ્રોફેશનલ્સ અને સામાન્યજનોની શક્તિ, સમય અને નાણાંનો વેડફાટ થશે. ઘણી વખત નાગરિકોની ધીરજની કસોટી થશે. જેટલા નિયમો અને કાનૂનો વધશે, વળી ભારતીયોનાં વ્યક્તિગત ડેટા લીક થશે તેથી ડિજિટલ ચીટરો દ્વારા ભોળા નાગરિકો સાથેની છેતરપિંડી વધશે. લોકોની માલમિલકતની બાબતો જાહેર થશે તેથી સલામતી પણ ઘટશે. હેકરોને છૂટો દોર અથવા તકો મળી જશે. વરસ 2023માં જે લોકોએ ભારતમાં કોરોનાની રસી લીધી હતી તેનો ડેટા ટેલિગ્રામ નામના એપમાં જાહેર થઇ ગયો હતો. જો કે આધારકાર્ડને લગતા ડેટાનો આજ સુધીમાં કયાંય નોંધપાત્ર દુરુપયોગ થયો નથી. હવે ઘણાં સરકારી અધિકારીને એવું લાગી રહ્યું છે કે એમના પોતપોતાના વિભાગોના જનતા માટેના અલગ અલગ કાર્ડસ હોવા જોઈએ. કદાચ તેઓ આ રીતે પોતે સક્રિય છે તેવું દર્શાવવા કે પછી ઉપરીઓની નજરમાં ચડવા માટે આવું નજરાણું પેશ કરી રહ્યા હોય એ પણ શકયતા છે. હવે લોકો ક્રેડિટ અને ડેબિટ કાર્ડ રાખતાં બંધ થયા છે, તો આ નવું તૂત કયાંથી સ્વીકારશે?

