Anand

આણંદ પાસે મિનિટ્રકની અડફેટે નડિયાદ ગ્રામ્ય પોલીસના ASIનું મોત

ગામડી ઓવરબ્રિજ પર પુરપાટ દોડતી મિનિટ્રકે બાઈકને મારી જોરદાર ટક્કર, સ્થળ પર જ કરુણ અંત

આણંદ, તા.11:
આણંદ નજીક નેશનલ હાઈવે પર આવેલા ગામડી ઓવરબ્રિજ પર બુધવારે બપોરે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરનું મોત નિપજ્યું હતું. પુરપાટ ઝડપે દોડતી મિનિટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક બાઈકને ટક્કર મારતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
મળતી માહિતી મુજબ, આણંદ શહેર પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે પર ગામડી ઓવરબ્રિજ પાસે બાઈક પર જઈ રહેલા પોલીસ જવાનને મિનિટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક સવાર રોડ પર પટકાયા હતા અને તેમના પર મિનિટ્રકના ભારે વ્હીલ ફરી વળતાં તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અરુણ પ્રવિણભાઈ ગઢવી (ઉ.વ.45) હોવાનું સામે આવ્યું છે. તેઓ આણંદ તાલુકાના સામરખા ગામના રહેવાસી હતા અને બાઈક પર ઘરે જતાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મોડી સાંજે આણંદ ટાઉન પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી અને આગળની તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top