Charotar

આણંદ જિલ્લાના 5563 ઘરમાં પોરા મળ્યાં

આણંદ જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે 4.78 લાખ કરતાં વધુ ઘરોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરાયો

(પ્રતિનિધિ) આણંદ તા.18

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 4.78 લાખ ઘરની તપાસ દરમિયાન સાડા પાંચ હજાર ઘરમાં પોરા મળ્યાં હતાં.

આણંદ કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અનુસાર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર દ્વારા તાકીદે જિલ્લામાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે અને નગરજનોને આરોગ્યલક્ષી કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આરોગ્ય વિભાગની 710 જેટલી ટીમો  બનાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અન્વયે એપેડેમિક ઓફિસર ડો. રાજેશ પટેલ દ્વારા સઘન આયોજન હાથ ધરીને જિલ્લાના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 8 અર્બન આોરોગ્ય કેન્દ્રોના ક્ષેત્રીય વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો સહિતની ટીમો દ્વારા વાહક જન્ય રોગ અંતર્ગત ડોર ટુ ડોર સર્વે કરીને સમગ્ર જિલ્લામાં ઝુંબેશ સ્વરૂપે 4.78 લાખ કરતાં પણ વધુ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તદ્અનુસાર 323 સબ સેન્ટરમાં 710 જેટલી કુલ ટીમો દ્વારા 4,78,843 જેટલા ઘરોની તપાસણી કરવામાં આવી છે. જેમાં 5563 ઘરમાં પોરા મળ્યા હતા. આ ઉપરાંત 13,91,382 જેટલા પાત્રો તપાસતા 6021 જેટલા પાત્રો પોરા મળ્યા હતા. જેમાં 47,143 જેટલા પાત્રોમાં દવા નાંખવામાં આવી છે. તથા 14,184 જેટલા પાત્રોને નાશ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1192 જેટલા ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યા છે. 21 જેટલા સ્થળોમાં ગપ્પી ફિશ નાંખવામાં આવી છે.

વધુમાં દોઢ હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ શાળા, કોલેજો તથા 923થી વધુ ધાર્મિક સ્થળો, 231થી વધુ ઔદ્યોગિક વિસ્તાર, 478થી વધુ સરકારી, 754થી વધુ ટાયર – ભંગારની દુકાનો, 203થી વધુ પોલીસ સ્ટેશન, બસ સ્ટેશન, રેલવે તથા 1023થી વધુ બાંધકામ સાઈટો પર સર્વે કરવામાં આવ્યો હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Most Popular

To Top