આણંદમાં ગાંજાનું મસમોટું નેટવર્ક, સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને એસઓજીએ પકડી પાડ્યું
ખાનગી બસનો ડ્રાઇવર મુસાફરો હેરફેર કરવાની સાથે મીરા દાતારથી ગાંજો લઇ આવ્યો ..
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શહેરના ભાલેજ રોડ પર આવેલા મોટા મદ્રેસા નજીક રોકેલી બસમાં તલાસી લેતા 79 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે સ્થળ પર જ એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે પુછપરછમાં અન્ય ત્રણ નામ બહાર આવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી બસ સહિત 17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે, આણંદ શહેરના ઇસ્માઇલનગરની ગોલ્ડન સોસાયટીમાં રહેતો ફિરોજ ખલીફા ખાનગી બસ નં.જીજે 17 યુયુ 0638માં ગાંજાનો જથ્થો ભરી લાવી ભાલેજ રોડ પર બસ પાર્ક કરી બેઠો છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી. આ સમયે બસ પાર્ક કરેલી હતી. આ બસમાં જોતા ડ્રાઇવર ઉંઘી રહ્યો હતો. જેને કોર્ડન કરી પુછપરછ કરતાં તે ફિરોજ અબ્દુલરહેમાન ખલીફા (રહે. ગોલ્ડન સોસાયટી, ઇસ્માઇલનગર, આણંદ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં બસમાં તલાસી લેતાં છેલ્લી સ્લીપર સીટમાં પીળા લીટા વાળા સફેદ કાપડ ઢાંકી કંઇક મુક્યું હતું. જે જોતા 16 જેટલા ઝબલામાં વનસ્પતિજન્ય ગાંજો મળી આવ્યો હતો. આ અંગે એફએસએલની મદદ લેતા તેઓએ પણ ગાંજો હોવાનું જણાવ્યું હતું. આથી, પોલીસે તુરંત ફિરોજની અટક કરી મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં તમામ મુદ્દામાલ એસઓજીની ઓફિસે લઇ ગયાં હતાં. જ્યાં ગાંજાનું વજન કરતાં કુલ 79.060 કિલોગ્રામ કિંમત રૂ.7,90,600 હતો. આ અંગે ફિરોજની આગવી ઢબે પુછપરછ કરતાં ગાંજાનો જથ્થો બસમાં જ મીરા દાંતાર, મહેસાણા ખાતેથી ઇમરાન ઇશાક ઉર્ફે બાબા કી ધૂમ ખલીફા (રહે. આણંદ)ના કહેવાથી તેના કોઇ માણસ મીરા દાતાર ખાતે આપી ગયો હતો. આ જથ્થો આણંદ ખાતે ઇમરાન પલાવને આપવાનો હતો. આથી, એસઓજીએ ગાંજો રૂ.7.90 લાખ, બસ કિંમત રૂ.10 લાખ, મોબાઇલ મળી કુલ રૂ.17,93,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શહેર પોલીસ મથકે ફિરોજ અબ્દુલરહેમાન ખલીફા, મીરા દાતારથી ગંજાનો જથ્થો આપનાર, ગાંજો અપાવનાર ઇમરાન ઇશાક ઉર્ફે બાબા કી ધૂમ ખલીફા અને ગાંજો મંગાવનાર ઇમરાન પલાવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર પોલીસનો ડી સ્ટાફ ફરી ઉંઘતો પકડાયો
આણંદ શહેર પોલીસનો ડી સ્ટાફ કાગળ પર જ હોય તેવી પ્રતિતિ વારંવાર દેખાય છે. આણંદ શહેરમાં બોગસ માર્કશીટ, ગાંજાનું નેટવર્ક સહિતના ગુનાહિત પ્રવૃત્તિઓ આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા શોધી પકડવામાં આવે છે. પરંતુ પોતાને જાંબાજ ગણાવતાં આણંદ શહેર પોલીસના ડી સ્ટાફને શહેરમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિ પકડવા કોઇ જ રસ હોય તેવું દેખાતું નથી. ડી સ્ટાફ દ્વારા માત્ર ઓફિસમાં બેસી ટોળ ટપ્પા જ થતાં હોય તેવું લાગી રહ્યું છે.