લોકલ ક્રાઇમ બ્રાંચે 3.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
(પ્રતિનિધિ) આણંદ તા.22
આણંદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી એકલ દોકલ વ્યક્તિને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડ્યાં બાદ તેની કિંમતી ચીજ વસ્તુની તફંડચીના બનાવ બનતાં હતાં. જે સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાંચે એક મહિલા અને પુરૂષને 3.41ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચે શહેરની સામરખા ચોકડી નજીકથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી તેઓની નજર ચુકવી પહેરેલા દાગીના ચોરી કરત ગેંગને પકડવા તજવીજ હાથ ધરી હતી. આ અંગે બાતમી ધારે સામરખા ચોકડીએ વોચ ગોઠવી હતી. તે દરમિયાન માહિતી મુજબના વર્ણન વાળી રીક્ષા જીજે-23- એ.વાય.4289 આવતાં તેને રોકી લઇ રીક્ષામાંથી ડ્રાઇવર તથા એક મહિલાની અટક કરી હતી. આ બન્નેની ઝડતી લેતાં મોબાઇલ નંગ-2, સોનાની બંગડી, કંઠી, લોખંડનું કટર વિગેરે મળી આવ્યું હતું. આ અંગે પોલીસે બંનેની આ બાબતે પુછપરછ કરતાં તેઓ કોઇ ચોક્કસ જવાબ આપતા ન હતાં અને ગલ્લાંતલ્લાં કરતાં હતાં. જેને લઈને બંનેની આગવી ઢબે પુછપરછ કરતાં 17મીના રોજ રોજ દસેક વાગે માણસા બસ ડેપોની બહારથી બે બહેનોને પેસેન્જર તરીકે બેસાડી આજોલ રોડ ઉપર બંને બહેનોની નજર ચુકવી સોનાની બંગડી તથા સોનાની કાળા મણકાવાળી માળા કટરથી કાપી ચોરી કરી કર્યાની કબુલાત આપી હતી. આ બન્નેના નામ ઠામ પુછતાં સલમાન ગુલામનબી વ્હોરા (રહે. મહેમદાવાદ) તથા આશાબેન ઉર્ફે જાનુ ચંદુભા મનુભાઇ દાતણીયા (દેવીપુજક) (રહે. મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને પાસેથી પોલીસે કુલ રૂ.3,41,100 નો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, સલમાન વ્હોરા અને આશાબેન ઉફે જાનુ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી સલમાન વ્હોરા અગાઉ મહેમદાવાદમાં બે, પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ મથકે એક તથા વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકે આ પ્રકારના ગુનામાં પકડાયેલ છે. તેમજ ગાંધીનગર જિલ્લાના માણસા ના પોલીસ મથકે નોંધાયેલો ગુનો ડિટેક્ટ થયો છે.