Charotar

આણંદમાં બેફામ દોડતા મિનિટ્રકે વિદ્યાર્થીને ભોગ લીધો

ઘરેથી એક્ટિવા લઇને નિકળેલા વિદ્યાર્થીને ગણેશ ચોકડી પાસે અકસ્માત નડ્યો

આણંદ શહેરમાં ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં વ્હેલી સવારે પુરપાટ ઝડપે જતી મિનિટ્રકના ચાલકની બેદરકારીથી 19 વર્ષિય એક્ટિવા ચાલક વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ મિનિટ્રકના ચાલકે એક્ટિવા સાથે અકસ્માત સર્જી યુવકનું મોત નિપજાવ્યું હતું. આ અંગે આણંદ શહેર પોલીસે મિનિટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

વિદ્યાનગરના મીરા રેસીડન્સીમાં રહેતા સંજયકુમાર જયેન્દ્રસિંહ વાંસડીયા બીવીએમ એન્જિનીયરીંગ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેમનો મોટો પુત્ર રામદેવસિંહ (ઉ.વ.19) જે અમદાવાદ ખાતે કોમ્પ્યુટરનો કોર્સ કરતો હતો. આ દરમિયાન રામદેવસિંહ 5મી સપ્ટેમ્બરની વ્હેલી સવારે ઘરેથી એક્ટિવા લઇ અડાસ જવા માટે નિકળ્યો હતો. પરંતુ થોડા સમયમાં જાણ થઇ કે રામદેવસિંહને ગણેશ ચોકડી પાસે અકસ્માત થયો છે. જેને ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આથી, સંજયકુમાર અને તેમના પરિવારજનો તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યાં હતાં. પરંતુ ફરજ પરના તબીબે રામદેવસિંહને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગે સંજયકુમારે તપાસ કરતાં ગણેશ ચોકડી પાસે પુરપાટ ઝડપે જતી મિનિટ્રક નં.જીજે 23 વી 6909ના ચાલકની બેદરકારીથી એક્ટિવાને ટક્કર વાગી હતી. બાદમાં આ મિનિટ્રક ચાલક ભાગી રહ્યો હતો. પરંતુ ચિખોદરા ચોકડી જઇને રોકાઇ ગયો હતો.  આ અંગે સંજયકુમાર વાંસડીયાની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે મિનિટ્રક નં.જીજે 23 વી 6909ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદમાં પુરઝડપે દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં પોલીસ નિષ્ફળ

આણંદ શહેરમાં ગણેશ ચોકડીથી બોરસદ ચોકડી સુધી નાના – મોટા અને ભારે વાહનો પુરઝડપે પસાર થાય છે. અહીં વચ્ચે કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરી હોવા છતાં પુરપાટ ઝડપે જતા વાહનો પર કોઇ રોકટોક નથી. આવા વાહનો માતેલા સાંઢની જેમ નિર્દોષનો ભોગ લઇ રહ્યાં છે. તેમની સામે કડક કાર્યવાહી કરવા માગણી ઉઠી છે.

Most Popular

To Top