પતિએ પોર્ટુગલથી મેસેજ મોકલ્યો 5 લાખ મોકલ અથવા છુટાછેડા આપી દે
અમદાવાદની યુવતી અગાઉ દુબઇ રહેતી હતી તે સમયે તેણે ઓડ ગામના યુવક સાથે પ્રેમ થયો હતો અને તેઓએ ભારત આવી લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન સંબંધમાં દહેજ માટે સાસરિયાએ ત્રાસ આપ્યો હતો. આ અંગે પરિણીતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં રહેતા આરતીબહેન પટેલ 2017માં દબઇ ગયાં હતાં. આ સમયે તેમને ઓડ ગામના ચિંતન પિયુષભાઈ પટેલનો સંપર્ક થયો હતો અને પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં તેઓ ભારત આવી 29મી ઓક્ટોબર,2018ના રોજ રજીસ્ટર લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન બાદ આરતીબહેનને તેમના માતા પિતા બોલાવતાં હતાં. જ્યારે સાસુ – સસરા રાજકોટ રહેતાં હતાં. જેથી આરતીબહેન અને ચિંતન પણ અમદાવાદ રહેવા ગયાં હતાં. દરમિયાનમાં 1લી નવેમ્બર,2018ના રોજ આરતીબહેનના સાસુ – સસરા સામાન લઇ અમદાવાદ આવી ગયાં હતાં અને તેમની ફાઇલ ટુંક સમયમાં ખુલવાની હોય, તેઓ અમદાવાદ જ રહેશે. આરતીબહેન સાથે શરૂઆતમાં સારી રીતે રહ્યાં બાદ ઘરમાં નાની – મોટી વસ્તુ લાવવા બાબતે સાસુએ મ્હેણાં – ટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું. નાની નાની બાબતે ઝઘડાઓ કરવા લાગ્યાં હતાં. આ બાબતે સસરાનું ધ્યાન દોરતાં તેઓ પણ સાસુને સાથ આપવા લાગ્યાં હતાં. તેમની ફાઇલ ખુલવાની હોવાથી આડકતરી રીતે પૈસાની જરૂરિયાત બાબતે જણાવતાં હતાં. તેઓ વારંવાર અમારી ફાઇલ ખુલતા પૈસાની જરૂર પડશે. અમે ક્યાંથી લાવીશું ? તેમ કહી પૈસાની માગણી કરવા લાગ્યાં હતાં. આ મામલે ચિંતન પણ આરતીબહેન પર ઉશ્કેરાઇ જતો હતો. આખરે સાસુ – સસરા 2019માં અમેરિકા જતાં રહ્યાં હતાં.
બીજી તરફ ચિંતનને આડકતરી રીતે મારા એકલાના પગારમાં પરવડી શકે નહીં. તેમ કહી આરતીબહેન પર નોકરી કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત અમેરિકામાં રહેતા તેના માતા – પિતા પણ ચઢવણી કરતાં હતાં અને આરતીના પિયરમાંતી નાણા લાવવાનું કહેતાં હતાં. આ ઉપરાંત ચિંતને મકાન ખરીદવા માટે કહેતાં આરતીબહેન તેના ભાઇ પાસેથી રોકડા રૂ.20 લાખ લઇ ચિંતનને આપ્યાં હતાં. જોકે, ચિંતને વિદેશથી માતા – પિતા પૈસા મોકલશે એટલે પરત આપી દેશે. તેમ જણાવ્યું હતું. પરંતુ વાયદો પુરો કર્યો નહતો. દરમિયાનમાં 2021માં ચિંતને વિદેશ જવાની વાત કરી હતી અને પિયરમાંથી વધુ નાણા લાવવા કહ્યું હતું. પરંતુ આરતીબહેને અગાઉના 20 લાખ આપ્યાં ન હોવાનું કહેતા તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આખરે પિયરમાંથી વાત કરતાં પિયરીયાએ ચિંતનને તમામ ખર્ચો આપ્યો હતો. જેથી 2022માં તે પોર્ટુગલ ગયો હતો.
ચિંતન પોર્ટુગલ ગયો બાદ તેને કોઇ કામ ધંધો મળ્યું નહતો. આ ઉપરાંત બાઇકની માંગ કરતાં આણંદનું મકાન વેચી પૈસા મોકલ્યાં હતાં. પરંતુ ચિંતન અવાર નવાર ફોન કરી પૈસાની માગણી કરતો રહે છે અને ના પાડતાં અપશબ્દ બોલી ઝઘડો કરતો હતો. તેમાંય 22મી નવેમ્બર,2023ના રોજ સોશ્યલ મિડિયા પર મેસેજ કરી કહ્યું હતું કે, મને દસ દિવસમાં 5 લાખ રૂપિયા મોકલ. જો પૈસાની વ્યવસ્થા ન થાય તો મને છુટાછેડા આપી દે. એટલે હું બીજા લગ્ન કરી પૈસા કમાઇશ. આખરે આ મામલે અમેરિકા કહેતાં ડિસેમ્બર 2023માં ભારત આવી મિટિંગ કરી હતી. જેમાં તેઓએ પિયરમાં જેમ રહેવું હોય તેમ રહે. તેમ કહી અમેરિકા જતાં રહ્યાં હતાં. જ્યારે ચિંતન પણ પોર્ટુગલ જતો રહ્યો હતો. બાદમાં તેઓએ સંપર્ક કાપી નાંખ્યો હતો. આખરે આ અંગે આરતીબહેને આણંદ મહિલા પોલીસ મથકે પતિ ચિંતન પટેલ, સાસુ બિંદુબહેન પટેલ અને સસરા પિયુષ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.