કારમાં હવા કેમ નથી ભરતો? કહી લાકડાના દંડાથી મારમાર્યો
આણંદ:
આણંદ શહેરના એક પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા કર્મચારી પર ચાર માથાભારે શખસોએ લાકડાના દંડાથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. કારના ટાયરમાં હવા કેમ નથી ભરતો તે બાબતે ઉગ્ર વિવાદ સર્જી હુમલો કરાયો હતો.
આણંદ શહેરના રાજશિવાલય પાછળ આવેલા લાખાજી પાર્ક વિસ્તારમાં રહેતા શૈલેષ ઉમેદભાઈ ચાવડા સોજિત્રા રોડ પર સ્થિત વિષ્ણુપ્રિયા પેટ્રોલ પંપ પર કર્મચારી તરીકે ફરજ બજાવે છે. તારીખ 5ના રોજ મોડી રાત્રિના સમયે તેઓ ફરજ પર હતાં ત્યારે એક કારમાં ચાર શખસ પેટ્રોલ પુરાવવા આવ્યા હતા. તેમણે રૂ.500નું પેટ્રોલ ભરાવ્યું હતું.
પેટ્રોલ ભરતી વખતે શૈલેષ ચાવડાએ કારના આગળના વ્હીલમાં હવા ઓછી હોવાનું ધ્યાન દોર્યું હતું અને હવા ભરાવવા કહ્યું હતું. ત્યારબાદ કાર ચાલક હવા ભરવાના મશીન પાસે ગયો હતો, પરંતુ તે સમયે ત્યાં કોઈ કર્મચારી હાજર ન હતો.
આ વાતને લઈને કારમાંથી પંકજ અને ઇર્ષાદ ઉર્ફે કાલી નામના શખસો ઉતરી આવ્યા અને “તુ હવા કેમ નથી ભરતો?” કહી શૈલેષ ચાવડાને ગાળો આપીને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન કારમાં બેઠેલા અન્ય બે શખસો પણ નીચે ઉતરી આવ્યા અને લાકડાના દંડા કાઢી શૈલેષ પર મારમાર્યો હતો.
કર્મચારીના ચીસાચીસથી પેટ્રોલ પંપના અન્ય કર્મચારીઓ દોડી આવતા ચારેય હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે શૈલેષ ચાવડાએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પંકજસિંહ ખુમાનસિંહ પરમાર, ઇર્ષાદ ઉર્ફે કાલી, નિરવ મારવાડી અને રોહિત મહેશ દરબાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.