Charotar

આણંદમાં દબાણ હટાવવામાં વ્હાલા દવલાની નીતિ રાખતા રોષ

આણંદ મનપા દ્વારા ગામડીવડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી રસ્તો પહોળો કરવા માપણી કરાઇ

રોડની માપણી જૂના નકશા પ્રમાણે કરી રોડ પહોળો કરવામાં આવે તેવી રહિશોએ રજુઆત કરી

(પ્રતિનિધિ) આણંદ તા.10

આણંદ મહાનગરપાલિકા દ્વારા ગામડીવડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી રસ્તો પહોળો કરવા માપણી કરવામાં આવી હતી. આ માપણીમાં અનેક ખાનગી મકાન તૂટતાં હોવાથી સ્થાનિક રહિશોમાં રોષ જોવા મળ્યો છે અને તેઓએ સોમવારના રોજ મહાનગરપાલિકામાં રજુઆત કરી જૂના નકશા પ્રમાણે ફરી માપણી કરી રોડ પહોળો કરવા રજુઆત કરી હતી. આ ઉપરાંત દબાણ હટાવવામાં કોઇ વ્હાલા દવલાની નીતિ રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.

આણંદના લોટેશ્વર ભાગોળ તથા ગામતળના રહિશોએ જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનીંગ સ્કીમ નં.2 તથા લોટેશ્વર ગામતળના વિસ્તારમાં આવતા જે તે રસ્તા છે, તેને પહોળા કરવા માપણી કરવામાં આવી હતી. પરંતુ મનપાની ટીમ તથા અન્ય અધિકારીઓ દ્વારા પોતાની જાતે સ્વયંભૂ નકશાઓ લાવ્યા હતા અને ત્યાં લાલ કલરનાં પટ્ટા દોરી આ રોડ પરનાં જે રહીશો છે. તેમને ટૂંક સમયમાં દબાણો દૂર કરવા જણાવ્યું હતું. જોકે, આ માપણીમાં ખાનગી માલિકીની જગ્યા આવરી લેવામાં આવી હોવાથી રહિશોએ આક્ષેપ કર્યો હતો કે, વ્હાલા દવલાની નીતી રાખી આ કામ કરવામાં આવી રહયું છે. જેથી અહીં રહેતા સ્થાનિક રહીશોને અન્યાય થાય તેમ છે. આ રોડની માપણી કાયદેસરની જૂના નકશા પ્રમાણે થાય અને કોઈ પણ આ રોડ પર રહેતા સ્થાનિક રહીશોની માલ મિલકતને નુકસાન ન થાય તે રીતે કાયદેસર જૂના નકશા મુજબ રોડની માંપણી કરી આ રોડ પહોળો કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.

આણંદ મનપામાં રહિશોએ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગામડીવડથી જય અંબે હિન્દુ હોટલ સુધી લગભગ 12 મીટર રસ્તો પહોળો કરવામાં આવશે. તેની સામે જય અંબે હિન્દુ હોટલથી લઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધી આ રોડ લગભગ 18.25 મીટર પહોળો કરવાની વાત મનપા દ્વારા કરવામાં આવી રહી છે. જે દર્શાવે છે કે, આ રોડ રસ્તો પહોળો કરવામાં વહાલા દાવલાની નિતિ રાખવામાં આવી રહી છે. જેથી આ રોડ પર રહેતા રહીશો કે જેઓ ત્યાં છેલ્લા 60 વર્ષો કરતાં પહેલાથી ત્યાં વસવાટ કરે છે. તે સ્થળે લગભગ 18.25 મીટર રોડ પહોળો કરવાનો છે. જેમાં તે રહીશોના આખે આખા ઘરો આ રોડ પહોળો થવાથી કપાતમાં આવી જાય છે. તેઓ નિરાધાર બને તેવી પરિસ્થિતનું નિર્માણ થઈ શકે છે.

આથી, રસ્તો પહોળો કરવો હોય તો આખે આખો જે જૂના નકસા છે. તે મુજબ આ રસ્તો પહોળો કરવામાં આવે અથવા ગામડીવડથી લઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધી એક સરખા માપ સાથે આ રોડ રસ્તો પહોળો કરવામાં આવે. આણંદ મનપા દ્વારા વહાલા દાવલાની નિતિ છોડી કોઈપણ પક્ષકારને અન્યાય કર્યા સિવાય આ રસ્તાનું કામકાજ કરવામાં આવે. જયાં સૌથી વધારે પાકા આ રોડ ઉપર દબાણો છે. તે ગામડી વડ વિસ્તારથી લઈ જય અંબે હિન્દુ હોટલ સુધી સૌથી વધારે પાકાં દબાણો છે. તેને સૌ પ્રથમ દૂર કરવામાં આવે પછી જ આગળના રોડ રસ્તા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી અમારી માંગણી છે.

Most Popular

To Top