Madhya Gujarat

આણંદમાં ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકનું મોત

વહેરાખાડી સીમમાંથી પસાર થતાં એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો


આણંદના વહેરાખાડી ગામની સીમમાં અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ટ્રક આગળની ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં પાછળની ટ્રકના ચાલકનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના નાસીકમાં રહેતા સતીશ શાંતારામ આહિર 20મી ફેબ્રુઆરીના રોજ ટ્રકમાં મકાઇ ભરીને ગુજરાતના મહેસાણા ખાતે આવેલી દૂધની ડેરીમાં આપવા નિકળ્યો હતો. તેઓ માલેગાંવ સટાનાથી મકાઇ ભરીને મહેસાણા જવા રવાના થયાં હતાં. બાદમાં મહેસાણાથી હિંમતનગર ટાઇલ્સ અને અન્ય સામાન ભરી 24મી રાતના નાસીક જવા નિકળ્યાં હતાં. તેઓ અમદાવાદથી એક્સપ્રેસ હાઈવે પર વડોદરા તરફ જઇ રહ્યાં હતાં, તે વખતે આણંદથી થોડે દુર જતાં ટ્રાફિક જામ દેખાતાં સતીશ આહિરે પોતાની ટ્રક ધીમી પાડી હતી. તેઓ રાત્રિના અઢીથી ત્રણ વચ્ચે બ્રિજ પરથી પસાર થતાં હતાં, તે સમયે અચાનક ધડાકાભેર પાછળથી બીજી ટ્રક અથડાઇ હતી. જેના કારણે સતીષની ટ્રક આગળના કન્ટેનર સાથે અથડાઇ હતી. આ સમયે સતીષે ઉતરી જોયું તો પાછળથી અથડાયેલી ટ્રકનો આગળનો બોડીના ભાગને ભારે નુકશાન થયું હતું અને ચાલક અંદર ફસાઇ ગયો હતો. આ અંગે એક્સપ્રેસ વેને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવી ગઇ હતી અને ટ્રકના ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. પરંતુ તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક નં.જીજે 39 ટી 8399ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Most Popular

To Top