આણંદ નગરપાલિકા અને વહીવટી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીમાં ત્રુટી બહાર આવી
આણંદમાં ટ્રાફિકથી ભરચક ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે ઘટાદાર ઝાડ પડતાં ટ્રાફિક જામ થયો
(પ્રતિનિધિ) આણંદ તા.1
આણંદ શહેર અને જિલ્લામાં હજુ વરસાદી માહોલ શરૂ જ થયો છે, ત્યાં પ્રિ – મોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી રહી છે. શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર ડો. મહેન્દ્ર શાહ પાસે ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થતાં તેના નીચે દબાઇ જવાથી યુવકનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઝાડને કાપી હટાવ્યું હતું.
આણંદ શહેરના ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક વરસો જુનું અને ઘટાદાર લીમડાનું વૃક્ષ જમીન દોસ્ત થયું હતું. જેના કારણે વૃક્ષ નીચે આશરો લઇ ઉભેલા શ્રમિક યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે થોડા સમય માટે ટ્રાફિક થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક ડો. મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે ડિવાઇડર પરના લીમડાનું ઝાડ પડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં. જોકે, ફાયરની ટીમે ઝાડને કાપી, દુર કરી નીચે દબાઇ ગયેલા યુવકને બહાર કાઢ્યો હતો. પરંતુ તે પહેલા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ અંગે શહેર પોલીસને જાણ થતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. પટેલ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક 40થી 45 વર્ષના આશરાનો હોવાનું અને અહીં આસપાસમાં જ ભટકતું જીવન જીવતો હતો. જોકે, તેની ઓળખ માટે પોલીસે પુછપરછ હાથ ધરી છે. પરંતુ મોડી સાંજ સુધી મૃતકની ઓળખ થઇ શકી નહતી. હાલ આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.