બહેનના ઘરે આવેલા ભાઇએ અપશબ્દો બોલી સહી કરવા દબાણ કર્યું
(પ્રતિનિધિ) આણંદ તા.26
આણંદ શહેરના ગર્વમેન્ટ ક્વાટર્સની સામે રહેતા મહિલાના સંયુક્તિ માલીકીની જમીનમાં ભાઇએ એનએ કરાવવા સહી કરવા જણાવ્યું હતું. પરંતુ બહેને ના પાડતા તેનો ભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ તેના ભાઇ સામે જ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.
આણંદ શહેરના સાંઇબાબા મંદિર રોડ પર મારૂતી કુંડલ સોસાયટીમાં રહેતા નિમિષાબહેન સુનિલભાઈ પટેલના પિતાજી નારણભાઇ કાળીદાસ પટેલની સદાનાપુરા ખાતે જમીન આવેલી છે. આ જમીનમાં તેમના ભાઇ પંકજ નારણભાઈ પટેલ તથા જતીન નારણભાઈ પટેલ પણ વારસદાર તરીકે છે. આ જમીન હાલમાં પંકજભાઈને એનએ કરાવી વેચાણ કરી દેવી હોવાથી તેઓ વાતચીત કરવા માટે 18મી એપ્રિલના રોજ સાંજના આશરે સાતેક વાગ્યાની આસપાસ નિમિષાબહેનના ઘરે આવ્યાં હતાં. આ સમયે ગામના અગ્રણી આગેવાન ચીમનભાઈ હરમાનભાઈ પટેલ પણ ઘરે આવ્યાં હતાં. પંકજભાઈએ સદાનાપુરા ખાતેની જમીન એનએ કરાવવાની વાત કરી હતી. જેથી નિમિષાબહેને હાલ એનએ કરાવી નથી. તેમ કહી સહી કરવાની ના પાડતાં પંકજ ઉશ્કેરાઇ ગયો હતો અને જોર જોરથીઅપશબ્દ બોલવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારી મિલકતમાં તમારે નજર નાંખવી છે, તારે પોલીસ સ્ટેશનમાં કોર્ટમાં જ્યાં જવું હોય ત્યાં જજે, જો તું તથા તારો પતિ સદાનાપુરા ગામમાં આવશો. તો વાઢી નાંખીશ અને તારા છકરાને પણ નહીં છોડું. તેવા શબ્દો ઉચ્ચારી પંકજે નિમિષાબહેન અને તેમના પતિ સુનિલભાઈને મારી નાંખવાની ધમકી આપી નિકળી ગયો હતો. આ ઉપરાંત સીધી રીતે સહી નાંખજો નહીં તો ગુંડાઓ લઇ તમારા હાથ પગ ભાંગી નાંખીશ. આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ કરશો તો પોલીસ સ્ટેશનની અંદર પણ મારતા ખચકાઇશ નહીં. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે નિમિષાબહેને ફરિયાદ આપતા પોલીસે પંકજ નારણ પટેલ (રહે. સદાનાપુરા, આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.