Charotar

આણંદમાં ઘરે ઘરે પ્રિ-પેઈડ વીજ મીટર , વીજ ચોરી નાબુદ થશે 

હવે વીજબિલ ભરવાના બદલે મોબાઈલની જેમ રિચાર્જ કરવું પડશે

પ્રતિનિધિ આણંદ તા 25

 મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આણંદ શહેરમાં સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે મુજબ આણંદ શહેરના શાસ્ત્રી સબ-ડિવિઝનમાં પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યો છે. જેમણે આ અંગેની કામગીરી ખાનગી કંપનીને આપેલી છે. ગત માર્ચ માસમાં કંપનીના વિવિધ ટીમના સભ્યો દ્વારા વીજ ગ્રાહકના ઘરે અથવા જે તે સ્થળે જઈ હયાત વીજ મીટર, મીટર બોક્સ તથા સર્વિસ કેબલ અંગેની સર્વેની નોંધણી કરવામાં આવી હતી. શહેરના શાસ્ત્રી ડિવિઝનમાં લગભગ 17 હજાર ગ્રાહકોનો સર્વે કરવામાં આવ્યો છે. 

સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ  નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક ઉપર નહીં આવે. સ્માર્ટ વીજ મીટરથી ગ્રાહક દ્વારા કરાતા વીજ વપરાશ મુજબ જ બીલ આવશે.તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું છે 

અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ બીલ આવ્યા બાદ તેના નાણાં ભરવાની અને સમય મર્યાદામાં વીજ બીલ ન ભરાય તો વીજ સપ્લાય કટ કરવાની સીસ્ટમ હાલ ચાલે છે પરંતુ નવા સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરમાં મોબાઈલના સીમકાર્ડની જેમ અગાઉથી નાણાં જમા કરાવવા પડશે. એટલે કે જેટલા એડવાન્સ નાણાં ભર્યા હશે તે મુજબ વીજ ગ્રાહક વીજળીનો વપરાશ કરી શકશે. ગ્રાહકોએ ગુગલ પ્લે સ્ટોર પરથી પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરી, એસજીવીસીએલ તરફથી પ્રાપ્ત એસએમએસ પર ગ્રાહક નંબરનો ઉપયોગ કરી નોંધણી કરાવવાની રહેશે. બાદમાં એપમાં લોગ-ઈન થયા બાદ રિચાર્જ કરાવવાનું રહેશે.  

 ગ્રાહકને રોજે રોજના વીજ વપરાશનો મેસેજ  મોબાઈલ પર મળશે

એમજીવીસીએલ તંત્રના જણાવ્યા મુજબ, વીજ ચેકિંગ વખતે કર્મચારીઓ પર હુમલા થતા હોવાની ઘટનાઓ અવારનવાર બને છે. તેમાં પણ અંતરિયાળ વિસ્તારોમાં થાંભલા પરથી ડાયરેક્ટ કનેક્શન મેળવી મોટા પ્રમાણમાં વીજ ચોરી કરવામાં આવતી હોય છે. પરંતુ હવે સ્માર્ટ પ્રિપેઈડ વીજ મીટરના કારણે ગ્રાહકને ફરજિયાત ઘર વપરાશ માટે વીજ જોડાણ લેવું પડશે. જેથી વીજ ચોરીના બનાવોમાં પણ ઘટાડો નોંધાશે. સાથે સાથે નવા પ્રિપેઈડ મીટર કાર્યરત થયા બાદ ગ્રાહકને રોજે રોજના વીજ વપરાશનો મેસેજ તેમના મોબાઈલમાં ઉપલબ્ધ થશે

Most Popular

To Top