Charotar

આણંદના જોળ ગામમાં દિવાલ પડતાં એકનું મોત, એક ગંભીર

મકાનના રીનોવેશન દરમિયાન પહેલો માળ સ્લેપ સાથે ધડાકાભેર તુટી પડ્યો

(પ્રતિનિધિ) આણંદ તા.30

આણંદના જોળ ગામમાં ગુરૂવારના રોજ જર્જરિત મકાનના રિનોવેશન દરમિયાન અચાનક પહેલા માળનો સ્લેબ દિવાલ સાથે ધડાકાભેર તુટી પડ્યો હતો. જેના કારણે બે મજુર કાટમાળ નીચે દબાઇ જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એકનું મોત નિપજ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.

જોળ ગામના બાકરોલ – વડતાલ રોડ પર આવેલા ખ્રિસ્તી ફળીયામાં રહેતા વિનોદ જોસેફભાઈ ડાભીના મકાનનુ રિનોવેશન કામ ચાલુ કરવામાં આવ્યું હતું. આથી, ગુરૂવારના રોજ કેટલાક મજુરોને કામ સોંપવામાં આવ્યું હતું. આ મજુરો સ્લેબનું કામ કરતાં હતાં તે સમયે બપોરના સુમારે અચાનક જ પહેલા માળનો સ્લેબ દિવાલ સાથે ધડાકાભેર તુટી પડ્યો હતો. આથી, રિનોવેશન માટે આવેલા ફિરોજશા બફાતીશા દિવાન (ઉ.વ.45) અને જયંતીભાઈ ગોતાભાઈ સોઢા પરમાર (ઉ.વ.52) કાટમાળ નીચે દબાઇ જતાં બુમાબુમ કરી હતી. આ ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને કાટમાળ ખસેડતાં હતાં. આ બનાવ અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ ખસેડી ફસાયેલા જેતાભાઈ ગોતાભાઈ સોઢા પરમારને બહાર કાઢ્યાં હતાં. પરંતુ તેમને ગંભીર ઇજા પહોંચી હોવાથી મૃત્યું નિપજ્યું હતું. જ્યારે ફિરોજશાને ડાબા પગે ઇજા પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.  આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top