Vadodara

આણંદના ગઠિયાએ સાયબર ક્રાઇમ પોલીસનો નકલી પત્ર બનાવ્યો

આણંદના હાડગુડ ગામમાં રહેતા ભાજેબાજે પોલીસના નામે છેતરપિંડી કરવા કારસો ઘડ્યો
બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ અને અનબ્લોક કરાવવા બેન્ક મેનેજરને સુચના આપી

(પ્રતિનિધિ) આણંદ તા.21
આણંદના હાડગુડ ગામમાં રહેતા ગઠિયાએ બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ તથા અનબ્લોક કરાવવા આણંદ સાયબર ક્રાઇમ પોલીસના નામનો નકલી લેટર બનાવી બેન્ક મેનેજરને મોકલી આપ્યો હતો. જોકે, આ ભાંડો ફુટતા સાયબર ક્રાઇમ પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહને 10મી જુલાઇ,2024ના રોજ એક મેઇલ મળ્યો હતો. આ મેઇલમાં લેટરની ખરાઇ કરવા જણાવ્યું હતું. આ લેટરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદ લખેલું હતુ અને નોટીસ અંડર સેકશન 91 અને 102 સીઆરપીસી 1973 7મી એપ્રિલ,2024 સહિતની વિગતો લખી હતી. આ ઉપરાંત તેમાં એક બેન્ક એકાઉન્ટનો નંબર લખેલો હતો. જે અનફ્રિઝ તેમજ અનબ્લોક કરવા સુચના લખી હતી. છેલ્લે નીચે ગોળ રાઉન્ડ સીલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો મારેલો હતો. જ્યારે અવાચ્ય સહી હતી. આ અંગે તપાસ કરતા આ લેટર ગુરગાંવના બેન્ક મેનેજર મોહિત મિત્તલે મોકલ્યો હતો. આ અંગે તેમની પુછપરછ કરતાં અજયસિંહ પરમાર, અમનસિંઘ નામના વ્યક્તિએ એકાઉન્ટ અનફ્રિઝ તથા અનબ્લોક કરવા જણાવતાં હોવાનું કહ્યું હતું.
આથી, પોલીસે મેઇલ યુઝર આઈડી, મોબાઇલ નંબર સહિતની વિગતો એકત્ર કરી હતી. જેમાં આઈડી અમનસિંઘના નામનું હતું. જ્યારે મોબાઇલ નંબર અજયકુમાર રાવજીભાઈ પરમાર (રહે. હાડગુડ, આણંદ)નો હતો. આ અંગે અજયની પ્રાથમિક પુછપરછ કરતાં તેણે બેંક ખાતુ અનફ્રિઝ કરવા માટે સંજયસિંહનો સૌ પ્રથમ ફોન આવ્યો હતો અને તેણે કોઇ પણ રીતે ખાતુ અનફ્રિઝ કરી આપવા જણાવ્યું હતું. આથી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આણંદના લેટર હેડવાળો પત્ર કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણમુરારી પટેલ (રહે.વસ્ત્રાલ, અમદાવાદ)એ બનાવી મોકલી આપ્યો હતો. જે સંજયસિંહ (રહે. બિહાર)ને મોકલી આપ્યો હોવાનું કબુલ્યું હતું. આ કબુલાત આધારે આણંદ સાયબર ક્રાઇમ પોલીસે અજયકુમાર રાવજીભાઈ પરમાર, કૃષ્ણનંદન ઉર્ફે આદિ કૃષ્ણમુરારી પટેલ, સંજયસિંઘ (રહે. બિહાર) અને અમનકુમારસિંઘ સંજયકુમારસિંઘ (રહે.બિહાર) સામે ગુનો નોંધી બેની ધરપકડ કરી છે.
હાલ આણંદ સાયબર ક્રાઇમ પોલીસે લેટર ક્યા તૈયાર કર્યો છે ? તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગોળ રાઉન્ડ સીલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદનો સિક્કો કરી ખોટી સહી કરી ખોટો દસ્તાવેજ તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા કોટક મહિન્દ્રા બેંકને ઇ-મેઇલથી મોકલેલો છે. આ કૌભાંડમાં અન્ય કોઇ બીજા શખ્સ સામેલ છે કે કેમ ? આવા અન્ય બીજા કોઇ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે કે કેમ ? તે બાબતે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top