એક શેઠ ખૂબ જ શ્રીમંત. સાત પેઢી સુધી ખૂટે નહિ એટલી ધન દોલત.શેઠ બાહોશ વેપારી અને સતત વેપાર વધારતા જ જતા હતા.જીવનમાં માત્ર કામ, કામ અને કામ જ અને વેપાર અને પેઢીના કામમાંથી નવરા તો ન જ પડે પણ જરા કામ ઓછું થાય તો તેમનું કામ હતું ચિંતા કરવાનું.સતત ચિંતા કરે કે આવતી કાલે હું નહિ હોઉં તો શું થશે? આજે આટલો મોટો ઓર્ડર મળ્યો છે અને ઘણો ફાયદો થશે, પણ હવે પછી આટલો મોટો ઓર્ડર નહિ મળે તો? મારાં સંતાનો મારા વેપારને વધારી નહિ શકે તો? શેઠ કાં તો કામમાં ગૂંથાયેલા રહે અને કામ પછી સતત ચિંતામાં રહે અને આવતી કાલે શું થશે તે જાણવા સતત જ્યોતિષીની પાછળ દોડે. આમ કામ અને સતત કાલે શું થશે ની ચિંતામાં રહેવાથી કારણ વિના તેમની તબિયત ખરાબ થવા લાગી.વજન ઓછું થવા લાગ્યું.
શેઠાણી ઘણી ચિંતા કરતા કહેતાં હવે, ‘મૂકો તમે બધી કામની માથાકૂટ, છોકરાઓ સંભાળી લેશે.’ શેઠ તરત કહેતા, ‘અરે કોઈ ભૂલ કરશે અને કાલે મોટું નુકસાન જશે તો? મારે ધ્યાન અપાવું જ પડે.તને ખબર ન પડે.’ શેઠાણી જાજરમાન અને સમજુ સન્નારી હતાં. બહુ ભણેલાં નહિ, પણ જીવનમાં ગણેલાં હતાં. તેમણે ત્યારે પતિ સાથે કોઈ માથાકૂટ કરી નહિ.તેમને આરામ કરવા કહી ત્યાંથી ચાલ્યા ગયા અને શેઠ આવતી કાલે શું થશે તેની ચિંતામાં બેસી રહ્યા. બીજે દિવસે સવારે શેઠે ઊઠીને કહ્યું, ‘જલ્દી નાસ્તો આપી દે, આજે વહેલું પેઢીએ પહોંચવું છે.’ શેઠાણીએ નાસ્તામાં ડીશમાં લખીને આપ્યું ‘આવતી કાલે નાસ્તો ઈડલી સંભાર છે.’ શેઠ બોલ્યા, ‘આ શું મજાક છે?’ શેઠાણી બોલ્યાં, ‘સાહેબ, આવતી કાલની જાણકારી છે.’
શેઠ ખીજાઈને બોલ્યા, ‘આવતી કાલે જે બનવાનું હોય તે, અત્યારે જે બનાવ્યું હોય તે આપ. મને ભૂખ લાગી છે અને મોડું પણ થાય છે.’ શેઠાણી બોલ્યાં, ‘પણ તમે જ તો કહો છો કે આવતી કાલની જાણકારી રાખવી બહુ જરૂરી છે.એટલે મેં તમારા માટે જરૂરી જે છે તે કર્યું.’ શેઠ શેઠાણી સામે જોઈ રહ્યા. શેઠાણી બોલ્યાં, ‘સાહેબ, અત્યારે નાસ્તો ઉપમા છે અને ગરમ બને છે. હમણાં જ પીરસું છું બેસો અને મન શાંત રાખી મારી વાત સાંભળો.સતત આવતી કાલની ચિંતા કરવી,આવતી કાલે શું થશે તે જાણવા મથામણ કરવી,એ જિંદગી નથી.આજમાં જીવવું એ જિંદગી છે.
આજને, આ ઘડીને પ્રેમથી જીવવી,ખુશીથી માણવી, જિંદગી છે, કાલે શું થશે તેની ચિંતામાં તમે તો આજને જીવવાનું જ ભૂલી ગયા છો.કામ કરો, પણ સતત દોડવાનું ઓછું કરો.આવતી કાલે શું થશે તે તમે જાણી શકવાના નથી અને જે થશે તે બદલી શકવાના પણ નથી, તો પછી જે આપના હાથમાં જ નથી તેની ચિંતા શા માટે? આવતી કાલને ભગવાન ભરોસે છોડો અને ભગવાને આટલી સુંદર જિંદગી આપી છે તે બે ઘડી મન ભરીને માણી લો. તમારો ભાવતો ઘીવાળો ઉપમા તૈયાર છે. શાંતિથી નાસ્તો કરો.’ શેઠાણીએ શેઠને સ્નેહથી સાચી વાત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે