213.15 ફૂટે સરોવરથી પાણી છોડાયું, 213.35 ફૂટે પહોંચતા દરવાજા બંધ કરાય
આજવા સરોવરમાંથી 5.13 MCM પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટી વધી
વડોદરામાં શુક્રવારે સવારે આજવા સરોવરના દરવાજા ખોલવાના અને બપોરે બંધ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સવારે 9 વાગ્યે સરોવરની સપાટી 213.15 ફૂટ પર પહોંચી હતી. તે સમયે 62 દરવાજા ખોલીને પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાદમાં બપોરે 3.15 વાગ્યે સપાટી 213.35 ફૂટ સુધી પહોંચી હતી. એ સમયે ફરીથી તમામ 62 દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન સરોવરથી વિશ્વામિત્રી નદીમાં કુલ 8060 ક્યુસેક મુજબનું પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી છોડવાના કારણે અંદાજે 5.13 મિલિયન ક્યુબિક મીટર (MCM) જેટલું પાણી નદીમાં વહેતું થયું હતું. જેના સીધા અસરરૂપે વિશ્વામિત્રી નદીની સપાટીમાં આશરે 0.20 ફૂટનો વધારો નોંધાયો હતો. નદીના કિનારે આવેલા કેટલાક વિસ્તારોમાં વહેતા પાણીના પ્રવાહમાં વધારો સ્પષ્ટ જોવા મળ્યો હતો. હાલ કોઈ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ નથી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નદીના પ્રવાહ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સરોવરની હાલની સપાટીને નિયંત્રણમાં રાખવા માટે જરૂર મુજબ પાણી છોડવામાં આવશે કે પછી દરવાજા બંધ રાખવામાં આવશે તે બાબતે નિર્ણય લેવાશે. તંત્રનું કહેવું છે કે વરસાદની પરિસ્થિતિ અને ઉપરવાસમાંથી આવનારા પાણીના પ્રવાહને આધારે જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા અને સંબંધિત વિભાગો દ્વારા નગરજનોને વિનંતી કરવામાં આવી છે કે નદીકાંઠા વિસ્તારોમાં અનાવશ્યક રીતે ન જવું અને સાવચેતી રાખવી. આજવા સરોવર વડોદરાના પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ સ્ત્રોત છે, તેથી તેની સપાટી જાળવવા માટે દરરોજની મોનીટરીંગ કામગીરી સતત કરવામાં આવી રહી છે.