કોર્પોરેશનની મિલીભગતનો આક્ષેપ: ગીત બંગલોઝના રહીશોએ કમલા નગર પાસે રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો



વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ પર આજે દબાણના પ્રશ્ને સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. કમલા નગર વિસ્તારમાં આવેલી ગીત બંગલો સોસાયટીના રહીશોએ સોસાયટીના કોમન રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણોના વિરોધમાં રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગીત બંગલો સોસાયટી અને તેની આસપાસની સોસાયટીઓને જોડતો એક કોમન રોડ આવેલો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક સમયથી આ જાહેર માર્ગ પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરી દેવામાં આવ્યું છે. આ રસ્તો બંને સોસાયટીના રહીશો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે, પરંતુ દબાણને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે અથવા બંધ જેવી સ્થિતિમાં મુકાયો છે.
રસ્તા પરના દબાણને કારણે ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર લઈને નીકળવું મુશ્કેલ બન્યું છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી આવી શકે તેમ નથી.
વિરોધ કરી રહેલા રહીશોએ સીધો આરોપ લગાવ્યો હતો કે, વારંવાર રજૂઆતો કરવા છતાં વડોદરા મહાનગરપાલિકા ના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. રહીશોના મતે, કોર્પોરેશનની મિલીભગત વગર આ પ્રકારના દબાણો શક્ય નથી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે જો આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
રવિવારે સવારથી જ ગીત બંગલો સોસાયટીના મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓ રસ્તા પર એકઠા થયા હતા. તેમણે હાથમાં પ્લેકાર્ડ્સ લઈને અને ‘દબાણ હટાવો, રસ્તો ખુલ્લો કરો’ જેવા સૂત્રોચ્ચાર કરીને તંત્રની નિષ્ક્રિયતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હવે જોવાનું એ રહે છે કે, સ્થાનિક રહીશોના આ ઉગ્ર વિરોધ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા જાગે છે કે કેમ અને ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે બુલડોઝર ફરે છે કે પછી રહીશોની હાલાકી યથાવત રહે છે.