નિરાકરણ નહીં થતા સીએમઓમાં શિક્ષકોની શાળા સંચાલકો વિરુદ્ધ ફરિયાદ :
આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.2
આજવા રોડ ઉપર આવેલી પરિવાર વિદ્યાલયના શિક્ષકો અને કર્મચારીઓએ અનિયમિત તેમજ રજાના પગાર બાબતે શાળા સંચાલકો સામે બાંયો ચડાવી હતી. ટ્રસ્ટીઓ પણ રજૂઆતને ગણકારતા નહીં હોવા સાથે શાળામાં ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાના આક્ષેપ પણ શિક્ષકોએ કર્યા હતા.

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પરિવાર વિદ્યાલયના શિક્ષકોને કર્મચારીઓ આજે નારાજગી વ્યક્ત કરી હતી. શાળાના શિક્ષકોનો આક્ષેપ છે કે તેમના પગાર નિયમિત થતા નથી. આ ઉપરાંત નિવૃત થયેલા શિક્ષકોને હજુ ગ્રેજ્યુએટી મળી નથી. આ સાથે તેમણે આક્ષેપ કર્યા હતા કે,રજા નો પગાર પણ ત્રણ વર્ષથી બાકી છે. એટલું જ નહીં શાળાના ટ્રસ્ટીઓ દ્વારા પણ ભ્રષ્ટાચાર આચારવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ ચેરિટી કમિશનરની કચેરી ખાતે કરવામાં આવી હતી. જો કે કોઈ નિરાકરણ નહીં આવતા હવે મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ ન આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

શિક્ષકોએ આક્ષેપ કર્યા હતા કે, ટ્રસ્ટીમાં વિક્રમભાઈને જ્યારે આવેદનપત્ર આપીએ છીએ તો એ કાગળ ફેંકી દે છે. એમને કંઈ પડી નથી. ડીઈઓ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું છે કે 15 તારીખ સુધીમાં પગાર કરી દેવો પણ આ લોકો ટ્રસ્ટી અમારા એમ કહે છે કે નાણાકીય કટોકટી છે. એનું કારણ છે કે કઈ ને કઈ ગેરવહીવટ સ્કૂલમાં ચાલે છે. એટલે અમે એમ ઈચ્છીએ છીએ કે આ બધું બંધ થાય અને પગાર સમયસર ચૂકવાય અને ખાસ કરીને ડીઇઓ કચેરી આમાં જોઈન્ટ થાય અને તપાસ કરાવે. જે તપાસ અધિકારીઓ આવ્યા હતા એમની પાસે અહીંના ટ્રસ્ટીઓએ આઈ કાર્ડ માંગ્યું. એ તરત જતા રહ્યા અને પ્રોપર તપાસ કરી શક્યા ન હતા.ડીઈઓ એ જવાબ આપ્યો હતો પણ લેખિતમાં હજી સુધી કોઈ જવાબ આવ્યો નથી. યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન કરીશું.
