પાણીગેટ ફાયર સ્ટેશનના જવાનો ત્રણ વાહનો સાથે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો :
આગ લાગવાનું કારણ અકબંધ, હજારોનું નુકસાન,કોઈ જાનહાનિ નહિ
વડોદરાના આજવા રોડ એકના નગરમા આવેલા એક ખુલ્લા પ્લોટમા ભંગારના ગોડાઉનમા આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ કરવામા આવતા પાણીગેટ ફાયર સ્ટેશનના લાશ્કરો તુરંત ઘટના સ્થળે પહોચ્યા હતા. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે તમામ કાટમાળનો સામાન આગની લપેટમાં બળીને ખાક થઈ જવા પામ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે ભારે માત્રામા નુક્સાન થયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
વડોદરામા ઉનાળાની શરુ થયેલા આગ લાગવાના બનાવોનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. શહેરના આજવા રોડ એકતા નગરમા આવેલા એક ખુલ્લા પ્લોટમા ભંગારનુ ગોડાઉન આવેલુ છે. જેમા નમતી સાંજે આશરે સાડા ચારથી પોણા પાંચ વાગ્યાના સુમારે ભંગારના ગોડાઉનમા પડેલા કાટમાલમા આગ લાગી હતી. જોત જોતામા ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો ટોળે વળ્યા હતા. અને બનાવની જાણ ફાયર એન્ડ ઈમર્જન્સી કમાન્ડ એંન્ડ કંટ્રોલરુમમા કરવામા આવતા પાણીગેટ ફાયર ફાયર સ્ટેશનના લાશ્કરો તત્કાલ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
જ્યારે આ અંગે ગોડાઉનના માલિક મહિલાએ જણાવ્યુ હતુ કે સ્ક્રેપનુ ગોડાઉન છે, દસ મિનિટ માટે હુ અહિથી ગઈ અને તરત છોકરાનો ફોન આવી ગયો કે આગ લાગી છે. સવારથી હુ કામ કરુ છુ,અને રોજ લાવી અને મારો ગુજારો ચલાવુ છુ. કાગળ, પૂઠા-પ્લાસ્ટીક કચરો ઉઠાવીને લાવુ છુ. આગ કેમ લાગી એ નથી ખબર, બે ત્રણ છોકરાઓ પણ અહીયા બેસે છે. એ વખતે કોણ બેઠુ હતુ એની મને ખબર નથી. આશરે 70 થી 80 હજારનુ નુક્સાન થયુ હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે સબ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે આજવા રોડ એકતા નગરમાં આવેલ ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગી હોવનો કોલ મળતા અમે ત્રણ ફાયરના વાહનો અને કર્મચારીઓના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. આગ કાબુમાં આવી ગઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી.