વિશ્વામિત્રીની સપાટી નિયંત્રણમાં રહે ત્યાં સુધી આજવા સરોવરમાંથી પાણી છોડાશે
આજવા સરોવર ખાતે લગાવવામાં આવેલી પંપ સિસ્ટમનો જરૂર પડે પાણી ખાલી કરવા માટે ઉપયોગ કરાશે

વડોદરા શહેરના ઐતિહાસિક આજવા અને પ્રતાપપુરા સરોવરમાંથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી છોડવાની કામગીરી હાથ ધરાઈ છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, ગઈકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી તેમજ ત્યાર બાદ રાત્રે 10 વાગ્યાથી શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં કુલ 17.2 MCM પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવ્યું હતું. શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં આજવા સરોવરનું લેવલ 212.9 ફૂટ અને પ્રતાપપુરા સરોવરનું લેવલ 228.2 ફૂટ નોંધાયું હતું. આજવા સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રતાપપુરા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરી દેવાયું છે. પ્રતાપપુરા સરોવરનું પાણી મહાનગરપાલિકા દ્વારા સંગ્રહમાં રાખવામાં આવે છે જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય.
આજવા સરોવરનું લેવલ 213.46 ફૂટ સુધી પહોંચતા પાણી છોડવાનું શરૂ કરાયું હતું, જ્યારે પ્રતાપપુરા સરોવરનું લેવલ 223.3 ફૂટ થતાં પાણી છોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજવા સરોવરનું લેવલ 212.5 ફૂટથી નીચે ન જાય અથવા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી ન વટાવે ત્યાં સુધી પાણી છોડવાનું ચાલુ રહેશે. હાલ વિશ્વામિત્રી નદીમાં 750 ક્યુમેક પાણીનો પ્રવાહ નોંધાઈ રહ્યો છે. આ સિવાય, જરૂર પડે આજવા સરોવર ખાતે લગાવવામાં આવેલી પંપ સિસ્ટમનો પણ પાણી ખાલી કરવા માટે ઉપયોગ કરાશે. પંપ સિસ્ટમ દ્વારા સરોવરનું વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ મળશે.
વિશ્વામિત્રી નદીમાં છોડાયેલા પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં કોઈ મોટી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે મ્યુનિસિપલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પાણી છોડવાની કાર્યવાહી તબક્કાવાર કરવામાં આવી રહી છે જેથી નદીના પ્રવાહ પર અતિરિક્ત દબાણ ન આવે. આ રીતે, ઉપરવાસમાં વરસાદના પગલે બંને સરોવરમાં વધેલા પાણીનો નિકાલ કરીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ તંત્ર દ્વારા ચાલુ છે.


આજવા સરોવર અને શહેરની પરિસ્થિતિનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિરીક્ષણ
વડોદરા શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ આજવા સરોવર ખાતે મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની સપાટી અને કોટેશ્વર વિસ્તારની પણ મુલાકાત લીધી. મુલાકાત બાદ કમિશનરે જણાવ્યું કે આજ સાંજ સુધીમાં પ્રતાપપુરા સરોવરના દરવાજા બંધ રાખવામાં આવશે. આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ સુધી જાળવવામાં આવશે. હાલમાં 62 દરવાજા દ્વારા પાણી છોડાઈ રહ્યું છે, પરંતુ નાગરિકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે શહેરની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
કમિશનરે વધુમાં જણાવ્યું કે આજવા સરોવરની સપાટી 212.50 ફૂટ પર સ્થિર રાખવામાં આવશે જેથી આખા વર્ષ દરમિયાન નાગરિકોને પાણી પુરવઠો મળી રહે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયો વોટર કમિશન ગાઈડલાઈન્સ અને નવલાવાલા કમિટીની ભલામણોને આધારે જ કરવામાં આવશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. નાગરિકોની જાનહાનિ ન થાય તે માટે સતર્કતા રાખવામાં આવશે. જરૂર હોય ત્યારે નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની તથા ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની સૂચનાઓ સંબંધિત વિભાગોને આપવામાં આવી છે.