( પ્રતિનિધિ )વડોદરા,તા.23
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થવા માંડ્યો છે રવિવારે શહેરનું લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. બપોરના સુમારે લોકોને ગરમીની અનુભૂતિ થઈ હતી.
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હાલ પુર્વના તેજ પવન જમીન પર નીચલા સ્તરે ફૂંકાઈ રહ્યા છે. હજી પણ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વડોદરાનું લઘુતમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 86 અને સાંજે 58 ટકા નોંધાયું હતું. નોંધનીય છે કે કમોસમી વરસાદ બાદ ત્વરિત જ ઠંડીની શરૂઆત થઈ હતી. અચાનક પારો ગગડ્યો પણ હતો સતત બે વખત રાજ્યમાં સૌથી નીચું તાપમાન ધરાવતું વડોદરા શહેર બન્યું હતું જે બાદ થોડા દિવસોના અંતરે હવે ધીમે ધીમે તાપમાનનો પારો વધવા માંડ્યો છે. જેના કારણે લોકોને હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે કડકડતી ઠંડી જ્યારે બપોરે ગરમી નો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ લગ્ન ગાળાની પણ શરૂઆત થઈ ગઈ હોય લગ્ન પ્રસંગમાં કેટલાક પાર્ટી પ્લોટ માં તાપણાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે, સાંજના સમયે આયોજિત થતા કેટલા પ્રસંગોમાં લોકોને ગરમ વસ્ત્રો પહેરીનેજ જવાની ફરજ પડી રહી છે.