દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં ખાદ્ય સુરક્ષા જોખમમાં
દેવગઢ બારિયા: દેવગઢ બારીઆમાં ઉનાળાની સીઝનમાં આરોગ્યને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. શહેર અને આજુબાજુના વિસ્તારોમાં આઈસ્ક્રીમ, કુલ્ફી અને કેરીના રસની હાટડીઓ ધમધમી રહી છે. આ હાટડીઓ પર અસ્વચ્છ વાસણો અને કાર્બાઇડથી પકવેલી કેરીનો ઉપયોગ થઈ રહ્યો છે.
પરપ્રાંતિય વેપારીઓ મોટરસાઈકલ પર ફરતી લારીઓથી હલકી ગુણવત્તાનું દૂધ અને ફ્લેવર્સનો ઉપયોગ કરી આઇસ્ક્રીમ વેચે છે. કેરીના રસની હાટડીઓમાં નકલી સ્વાદ અને હાનિકારક રસાયણોનો ઉપયોગ થાય છે. આનાથી ફૂડ પોઈઝનિંગ અને પેટના રોગોનું જોખમ વધ્યું છે.
આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતાથી સમસ્યા વધુ ગંભીર બની છે. મોટાભાગની હાટડીઓ પાસે લાયસન્સ કે નોંધણી નથી. બાળકો અને વૃદ્ધો સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઘણા બાળકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી અને ગેરકાયદેસર વેચાણ બંધ કરાવવાની માંગ કરી છે. આરોગ્ય વિભાગે લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી કડક પગલાં લેવા જોઈએ.
જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી વી.ડી.રાણાએ જણાવ્યું કે ટીમ મોકલીને સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાના ચીફ ઓફિસર વૈશાલી નિનામાએ કહ્યું કે ગુણવત્તાની તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો વિષય છે અને તેમને આ અંગે જાણ કરવામાં આવશે.
