Charchapatra

અહંકારી કાગડો

શ્રાદ્ધ પક્ષમાં કાગડાને બધેથી નિમંત્રણ મળે,એક કાગડો એક બંગલામાં શ્રાદ્ધ પક્ષમાં રોજ જતો અને ત્યાંનાં બાળકો સાથે તેને દોસ્તી થઈ ગઈ. તેઓ તેને રોજ સારું સારું ભોજન આપતા અને આમ રોજ ભાવતાં ભોજન જમીને કાગડો હ્રુષ્ટપુષ્ટ અને તાકાતવાન બની ગયો. કાગડાને હવે પોતાની આ અલમસ્ત કાયા અને તાકાતનું અભિમાન આવી ગયું. તે બધાને ડરાવતો, ધમકાવતો. બીજાં પંખીઓનું અપમાન કરતો.એક દિવસ કાગડો પોતાને ભાવતાં ભોજન કરાવતાં બાળકો સાથે દરિયાકિનારે ગયો.ત્યાં દૂર દૂરથી હંસોનું એક ટોળું આવ્યું હતું.બધાં બાળકો હંસોને જોઇને તેની સુંદરતા અને લાંબુ ઊડવાની શક્તિના વખાણ કરવા લાગ્યા પણ આ વાત અભિમાની કાગડાને ગમી નહિ.

તે હંસોના ટોળા પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘હું એકદમ તાકાતવર છું. તમારામાંથી જે સૌથી શ્રેષ્ઠ હોય તેની સાથે ઊડવાની પ્રતિયોગિતા કરવા આવ્યો છું.’હંસો હસ્યા અને બોલ્યા, ‘અમે તો યોજનો લાંબુ ઉડ્ડયન કરીએ છીએ. તું રહેવા દે.’કાગડાને વધુ ખરાબ લાગ્યું. તેણે બડાશ મારતાં કહ્યું, ‘હું તો અનેક જુદી જુદી રીતે ઊડી શકું છું અને તાકાત એટલી છે કે થાકતો જ નથી. હું તમને હરાવી એવો તમને ડર છે ?’ એક હંસે કહ્યું, ચાલો, પ્રતિયોગિતા કરીએ.

હંસ અને કાગડાની પ્રતિયોગિતા શરૂથી ઘણાં પંખીઓ જોવા આવ્યાં.કાગડાએ પોતાની પૂરી તાકાત લગાડી જુદી જુદી રીતે દરિયા ઉપરના આકાશમાં ઊડવાનું શરૂ કર્યું અને તે હંસથી આગળ વધી ગયો, વિવિધ કરતબ દેખાડવામાં તેની વધુ શક્તિ વપરાતી હતી અને હંસ પોતાની સ્વાભાવિક ગતિથી ધીમે પણ એકધારું ઊડી રહ્યો હતો. થોડી વારમાં કાગડાની તાકાત ઓસરવા લાગી અને તેની પાંખ થાકવા લાગી. આજુબાજુ બે ઘડી વિશ્રામ લેવા તે કોઈ ઝાડવાળા ટાપુને શોધવા લાગ્યો અને અનંત સાગર સિવાય કંઈ જ દેખાતું ન હતું. કાગડાની ઊડવાની ગતિ ધીમી પડી ગઈ અને ધીમે ધીમે તેની હાલત સમુદ્રના પાણીમાં પડી જવા જેવી થઈ ગઈ.

હંસે નજીક આવીને વ્યંગમાં પૂછ્યું, ‘કાગડા, આ તે વળી ઊડવાની કઈ રીત છે.’ કાગડો ડૂબવાની તૈયારીમાં હતો. તેનું અભિમાન બધું ઓસરી ગયું. તેણે હંસને વિનંતી કરી, ‘મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. મેં અભિમાનમાં બડાશ મારી પણ હવે હું ઊડી શકતો નથી. મને બચાવી લે.’હંસે કાગડાને પોતાની પીઠ પર બેસાડી કિનારે પહોંચાડ્યો. જીવનમાં ક્યારેય કાગડાની જેમ મૂર્ખતાભર્યું અભિમાન કરવું નહિ અને પોતાની શક્તિ અને આવડત જાણ્યા વિના બીજા સાથે હોડ કરવી નહિ અને પોતાની આવડત પર હંસની જેમ નમ્ર રહેવું.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top