ડભોઇ: તાપમાનનો પારો સતત ધીરે ધીરે ઊંચે જતા ડભોઇ શહેર તથા તાલુકાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..સવારથી જ સુરજદેવ આકાશમાંથી અગન ગોળા વરસાવવા માંડતા સમગ્ર તાલુકો જાણે ગરમ ભઠ્ઠીમાં ફેરવાઈ ગયો હોય તેમ ડભોઇ નગરના બજારો સૂમસાન નજરે પડતા હતા.આ ગરમીની ઝપટમાં ઘણા લોકો આવી ગયા હોવાનું પણ જાણવા મળે છે.તાપમાનનો પારો આજે સતત બીજા દિવસે ઊંચો રહેતા નગર અને તાલુકામાં ગરમીનું મોજુ ફરી રહ્યું હતું.આથી ગામડાનું જીવન છીન્ન ભિન્ન થઈ જવા પામ્યું હતું. માનવો તો ગરમીથી યેનકેન પ્રકારે રક્ષણ મેળવી લે છે પરંતુ મૂંગા પશુઓએ પણ રક્ષણ મેળવવા પોતાના આગવા પ્રયોગો કરી લીધા હતા.
આખા વર્ષ દરમિયાન ઋતુચક્ર પોતાની ધરી ઉપર ફરીને ઋતુઓ આપતી જોવા મળે છે.જેમાં ઉનાળાની ઋતુ એટલે ગરમીનું આક્રમણ થાય અને જેની સીધી અસર જનજીવન ઉપર જોવા મળે છે.આવા સમયે બજારોના રસ્તાઓ સુમસાન જોવા મળે છે .જેના કારણે બજારો ઉપર મંદીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. બજારો ગ્રાહક વિના ઉજ્જડ દેખાઈ રહ્યા છે.ડભોઇ તાલુકાના માર્ગો ભર બપોરે સૂમસાન જોવાય છે.વાહન ચાલકો પણ બપોરે મુસાફરી કરવાનું ટાળે છે.જ્યારે જિલ્લાના ધોરી માર્ગો પણ ભેંકાર ભાસે છે. મોડી સાંજ સુધી લોકો ઘરમાં પુરાઈ રહે છે.તેઓ બહાર નીકળવાનું પસંદ કરતા નથી. સરકારી કચેરીઓમાં પણ અવર-જવર ઓછી જોવા મળે છે.
ગરમીનો પારો તો હજુ દિવસે દિવસે વધશે તેવું જણાઈ આવે છે. ગરમી ના લીધે પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. પશુ પક્ષીઓ પણ તેઓના આશ્રય સ્થાનમાં જ રહેવાનું પસંદ કરે છે. તેથી નગર ના રસ્તાઓ પર તેઓની ચહલપહલ પણ હાલ ઓછી જોવા મળે છે.એપ્રિલમાં આવી ગરમી છે તો મેં માસમાં કેવી ગરમી હશે ?
ગરમી સામે રક્ષણ મેળવવા પશુઓ ગામમાં આવેલ નાના તળાવો તેમજ ભરાયેલા મોટા પાણી ના ખાબોચિયામાં દિવસભર પડી રહે છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલા હોજમાંથી પશુઓ પાણી પીતા પણ જોવા મળે છે.જ્યારે પક્ષીઓ માળામાં તેમજ જુના ઘરોમાં ઉપલા ભાગે આવેલા નાના ગોખલાઓમાં જઈને ગરમી સામે રક્ષણ મેળવતા હોય છે.આગળ ના દિવસોમાં કેવી ગરમી હશે તેની ચિંતા લોકોમાં સાંભળવા મળે છે.
