ફીફા અન્ડર-૧૭ મહિલા વર્લ્ડ કપ ૧૧મીથી ૩૦મી ઓકટોબર સુધી ભારતમાં ચાલી રહ્યો છે. ભારતની ટીમમાં ઝારખંડની પાંચ દીકરીઓ પસંદગી પામી છે. આમાં ગોરાટોલી (જિ. ગુમલા ઝારખંડ) ગામની અષ્ટમ ઉરાંવ કેપ્ટન તરીકે સીલેકટ થઇ છે. અષ્ટમના પિતા હીરાલાલ અને માતા તારાદેવી રોડ બનાવવામાં મજૂરી કરે છે. ગામમાં તેમનું માટીનું ઘર છે અને ટોઇલેટનું બારણું પણ નથી. અષ્ટમની કેપ્ટન તરીકેની પસંદગી થઇ ત્યારે પ્રશાસને તુરન્ત રાંચીથી અષ્ટમના ઘર સુધીનો ૧૩૦ કિ.મી.નો પાકો રસ્તો બનાવવાનું શરૂ કર્યું છે. દુ:ખની વાત તો એ છે કે આ રસ્તો બનાવવામાં અષ્ટમનાં માતા-પિતા મજૂર તરીકે કામ કરી રહ્યાં છે. ગુમલાના ડી.સી. સુશાંત ગૌરવે અષ્ટમના ઘરે LED ટી.વી. મુકાવી દીધું છે, જેથી તેનાં મા-બાપ અને ગામનાં લોકો મેચ જોઇ શકે. ઘરમાં બેસવાની કોઇ વ્યવસ્થા ન હોવાથી ૧૫ ખુરશીઓ પણ મુકાવી છે.
અષ્ટમ કહે છે કે અમારી પાસે જે કંઇ છે તે પૂરતું છે. પણ તેના માતા-પિતા કહે છે કે અમારા માટીના ઘરને બદલે પાકું મકાન અને પાકું ટોઇલેટ હોય તો સારું પડે. અત્યારે તો ચોમાસામાં ઘણું પાણી પડે છે. છાપરા પર પ્લાસ્ટીકનું કપડુ મૂકેલું છે. અન્ડર-૧૭ મહિલા ફૂટબોલ વર્લ્ડ કપમાં ભારતની ટીમમાં ઝારખંડની અન્ય ચાર દીકરીઓ પણ સીલેકટ થઇ છે: (૧) સુધા અંકિતા તિર્કી: ગુમલા જિલ્લાની ચૈપુર ગામની સુધારો પરિવાર પણ મજૂરી કરે છે. (૨) પૂર્ણિમાકુમારી: ઝારખંડના જામબહાર ગામની છે. ખૂબ ગરીબ છે.
માતાનું મૃત્યુ થયું ત્યારે પૂર્ણિમા ખૂબ જ નાની હતી. તેની મોટીબેને લોકોનાં ઘરનાં કચરાં – પોતાં કરીને પૂર્ણિમાને આ કક્ષાએ પહોંચાડી છે. (૩) નીતુ લિન્ડા: રાંચીથી ૧૫ કિ.મી. દૂર ઓરમાંઝી ગામની છે. પિતા માળીકામ કરે છે. માતા મૃત્યુ પામી છે. (૪) અનિતાકુમારી: ચારી હુજીર ગામની અનિતા ફોરવર્ડ ખેલાડી છે. માતા આશાદેવીને તેના પિતાએ પુત્ર ન હોવાથી ત્યજી દીધેલી છે. માતા ઇંટના ભઠ્ઠામાં મજૂરી કરે છે અને માટીના ઘરમાં રહે છે. ઝારખંડની આ પાંચે દીકરીઓએ ઝારખંડને સાચે જ ગૌરવ અપાવ્યું છે. ભારત સરકારે અને ઝારખંડ સરકારે આ પાંચે ય દીકરીઓને પ્રોત્સાહિત કરીને તેમનું કાળજીપૂર્વક જતન કરવું જોઇએ!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.