અરવલ્લી પર્વતમાળાને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના જ પૂર્વ નિર્ણય પર સ્ટે મૂકવામાં આવતાં દેશભરનાં પર્યાવરણપ્રેમીઓમાં થોડી આશા અને હાશકારાની લાગણી ઊભી થઈ છે. આ નિર્ણય એ સાબિત કરે છે કે જનઅવાજ અને જાહેર ચેતના કુદરતની સુરક્ષામાં અત્યંત મહત્ત્વ ધરાવે છે. થોડા દિવસ પહેલાં સુરતના પ્રખ્યાત અખબાર “ગુજરાતમિત્ર” માં “ચર્ચાપત્ર” દ્વારા આ ગંભીર મુદ્દો જનસમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાનમાં અનેક પર્યાવરણપ્રેમીઓ, જાગૃત નાગરિકો અને સામાજિક કાર્યકરો તરફથી સમર્થન અને પ્રતિભાવ મળ્યો, — જે બદલ ‘ગુજરાતમિત્ર’નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પરંતુ હાલની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષિત વિસ્તારોમાં ખનન (Mining) સતત વધી રહ્યું છે. ખાસ કરીને બે સંરક્ષિત વિસ્તારો વચ્ચેની ખાલી જગ્યા (Gap) ને કાયદેસર રીતે ખનન માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, જે પર્યાવરણ માટે ઘાતક સાબિત થઈ શકે છે. જો ઉદાહરણરૂપે બે સંરક્ષિત વિસ્તારો વચ્ચે 700 મીટરનો ગેપ હોય — તો તેનું ભવિષ્ય શું? આ ગેપ નષ્ટ થશે તો સાથે સાથે પર્યાવરણની સતતતા, જંગલો, પહાડો અને વન્યજીવનનું કુદરતી સંતુલન પણ તૂટશે. આજના નિર્ણયો આવતી કાલનું પર્યાવરણ નક્કી કરશે. હવે મૌન રાખવું એટલે વિનાશને મંજૂરી.
પરવત ગામ, સુરત – આશિષ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.