Editorial

અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરે તો પશ્ચિમી જગતના ઘણા સમીકરણો બદલાઇ જઇ શકે

વેનેઝુએલા પર હુમલો કરીને અમેરિકાએ તે દેશના પ્રમુખ નિકોલસ માદુરોને પકડી લીધા તે પછી કોલંબિયા જેવા બીજા કેટલાક લેટિન અમેરિકન દેશોનો વારો આવશે  તેવી અટકળો હજી તો ચાલુ જ હતી ત્યાં ફરી એકવાર ગ્રીનલેન્ડનું નામ ચર્ચાવા લાગ્યું. ઉત્તર ધ્રુવ નજીક આવેલ આ યુરોપિયન ટાપુ પર અમેરિકાનો, ખાસ કરીને  હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો લાંબા સમયથી ડોળો છે. ટ્રમ્પ અગાઉ પણ આ ટાપુને અમેરિકાના કબજામાં લાવવાની વાત ઉચ્ચારી ચુક્યા છે. હાલમાં વેનેઝુએલા પર  હુમલા પછી રવિવારે ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાની વાત કરી, અને તેથી સ્વાભાવિક રીતે જ ગ્રીનલેન્ડ, ડેન્માર્ક તથા યુરોપના અન્ય દેશોમાં  નારાજગી અને ચિંતાની લહેર ફેલાઇ ગઇ. ખનિજોથી સમૃદ્ધ એવો ગ્રીનલેન્ડ ટાપુ આમ તો સ્વશાસિત છે, પરંતુ તેના પર સાર્વભૌમ અધિકાર ડેન્માર્કનો ગણાતો આવ્યો છે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજાની વાત કરી તેની સામે ડેન્માર્કના મહિલા વડાપ્રધાન મેટ ફેડરિકસેને સખત વિરોધ નોંધાવ્યો. અનેક યુરોપિયન નેતાઓએ તેમને ટેકો આપ્યો. નેતાઓએ એક નિવેદન બહાર પાડીને પુનરોચ્ચાર કર્યો હતો કે વ્યૂહાત્મક અને ખનિજોથી સમૃદ્ધ આ આર્કટિક ટાપુ ત્યાના લોકોનો છે. ટ્રમ્પની ટિપ્પણીઓના જવાબમાં  ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન અને યુનાઇટેડ કિંગડમના નેતાઓ ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિકસેન સાથે ગ્રીનલેન્ડના સાર્વભૌમત્વના બચાવમાં જોડાયા હતા.  ગ્રીનલેન્ડ એ ડેનમાર્ક સામ્રાજ્યનો એક સ્વ-શાસિત પ્રદેશ છે અને આ રીતે તે નાટો (NATO) સૈન્ય ગઠબંધનનો હિસ્સો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,  ગ્રીનલેન્ડ તેના લોકોનું છે.

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને લગતી બાબતો પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ડેનમાર્ક અને ગ્રીનલેન્ડનો જ છે. ડેન્માર્કના વડાપ્રધાન  ફ્રેડરિકસેનએ ચેતવણી આપી હતી કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો કરશે તો તે નાટોના અંત સમાન હશે. તેમની વાત બરાબર છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી  ઓર્ગેનાઇઝેશન (નાટો) એ ઉત્તર એટલાન્ટિક વિસ્તારના દેશોનું સહિયારું લશ્કરી સંગઠન છે, જે બીજા વિશ્વયુદ્ધ પછી રચાયું હતું. આ સંગઠનના બંધારણ પ્રમાણે સંગઠનના કોઇ એક દેશ પર હુમલો એ સમગ્ર સંગઠન પર હુમલો  ગણાશે અને તે દેશની મદદે નાટો સંગઠન આવશે. પરંતુ આ જ સંગઠનનો એક સભ્ય દેશ બીજા સભ્ય દેશ પર હુમલો કરે તો શું થાય?

તેની રચના થઇ ત્યારથી આજ સુધી તો આવું બન્યું નથી, પણ અદકપાંસળી ટ્રમ્પ આવું કરે પણ ખરા! અને ડેન્માર્કના વડાપ્રધાનની વાત બિલકુલ સાચી છે કે આવું જો થાય તો નાટો સંગઠન જ તૂટી જાય. સોમવારે એક ટીવી ઈન્ટરવ્યુમાં ફ્રેડરિકસને કહ્યું કે જો અમેરિકા કોઈ NATO સભ્ય દેશ પર સૈન્ય કાર્યવાહી કરે છે, તો NATOની આખી વ્યવસ્થા જ નાશ  પામશે. કંઈ જ બાકી નહીં રહે. જો કે આ મેટેની આ ચેતવણી છતાં અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી એડવાઇઝર સ્ટીફન મિલરે ગ્રીનલેન્ડ પર કબજાની ટ્રમ્પની વાત દોહરાવી.

સ્ટીફન મિલરે સોમવારે રાત્રે એમ કહીને અમેરિકાના સાથી દેશોને ચોંકાવી દીધા અને NATO ને હચમચાવી દીધું કે  ગ્રીનલેન્ડ ‘યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ હોવો જોઈએ’ – અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આર્કટિક પ્રદેશના ભવિષ્ય માટે વોશિંગ્ટન સામે લડવાની કોઈ દેશ હિંમત કરશે  નહીં. આ તેમનું અભિમાન છે. તેમનું કહેવુ઼ એમ છે કે યુરોપમાંથી કોઇ અમેરિકા સામે લડવા માટે ઉતરશે નહીં. CNN ના કાર્યક્રમ ‘ધ લીડ વિથ જેક ટેપર’માં એક આક્રમક રજૂઆત દરમિયાન, વ્હાઇટ હાઉસના આ ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને હોમલેન્ડ સિક્યુરિટી એડવાઈઝરે જો  કે  ગ્રીનલેન્ડને કબજે કરવા માટે અમેરિકા લશ્કરી દળનો ઉપયોગ કરી શકે છે કે કેમ તે અંગેના વારંવારના પ્રશ્નોને ફગાવી  દીધા હતા.

મિલરે ઓન-એર કહ્યું હતું કે, ગ્રીનલેન્ડના ભવિષ્ય માટે કોઈ પણ લશ્કરી રીતે અમેરિકા સામે લડવાનું નથી. લશ્કરી કાર્યવાહીની શક્યતાને સ્પષ્ટપણે તેઓ નકારી કાઢે  તેવા વારંવારના પ્રયાસોને તેમણે અવગણ્યા હતા. એટલે કે અમેરિકા લશ્કરી કાર્યવાહી કરે પણ ખરું એવો તેમનો અભિગમ હતો. તેમણે ટાપુ પર ડેનમાર્કના સાર્વભૌમત્વને પડકાર્યું હતું. મિલરે પૂછ્યું, તેમના પ્રાદેશિક દાવાનો આધાર શું છે? ડેનમાર્કની વસાહત તરીકે ગ્રીનલેન્ડ રાખવાનો તેમનો  આધાર શું છે? અમેરિકા એ NATO ની મુખ્ય શક્તિ છે.

અમેરિકા માટે આર્કટિક ક્ષેત્રને સુરક્ષિત કરવા અને NATO તથા તેના હિતોનું રક્ષણ કરવા માટે, દેખીતી  રીતે ગ્રીનલેન્ડ અમેરિકાનો ભાગ હોવો જોઈએ, અને તેથી આ એક એવી ચર્ચા છે જે આપણે એક દેશ તરીકે કરવા જઈ રહ્યા છીએ એમ મિલરે કહ્યું હતું. આ અસાધારણ  ટિપ્પણીઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડને બળજબરીથી કબજે કરવાની શક્યતાને ફરીથી નકાર્યા પછી આવી છે, જેનાથી યુરોપિયન સાથી દેશોમાં ડર વધી ગયો  છે કે વહીવટીતંત્ર યુએસ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ ના નામે NATO ની અંદર સરહદો ફરીથી નક્કી કરવા માટે તૈયાર છે.

અમેરિકાના ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સાથે ગાઢ સંબંધો રહ્યા છે. ડેનમાર્ક NATO નું સ્થાપક સભ્ય છે. 1951ના સંરક્ષણ કરાર મુજબ,  અમેરિકાને ગ્રીનલેન્ડમાં સૈન્ય મથક રાખવાની મંજૂરી મળેલી છે. બંને દેશો સુરક્ષા, વિજ્ઞાન, પર્યાવરણ અને વેપારમાં સહયોગ ધરાવે છે. પરંતુ હવે ટ્રમ્પની દાનત ખનિજ સમૃદ્ધ ગ્રીનલેન્ડ પર બગડી છે. ગ્રીનલેન્ડ પર હુમલાના સંજોગોમાં કોઇ યુરોપિયન દેશ અમેરિકા સામે લડવા નહીં ઉતરે તેવી અમેરિકી નેતાઓની વિચારણા એ તેમનો ભ્રમ પણ પુરવાર થઇ શકે છે. જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરે તો પશ્ચિમી જગતના ઘણા સમીકરણો બદલાઇ જઇ શકે છે.

Most Popular

To Top