જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે એક ટર્મના ગાળા પછી બીજીવાર બિરાજ્યા છે ત્યારથી ભારતીયો સહિતના ઇમિગ્રન્ટોની અમેરિકામાં જાણે કમબખ્તી બેઠી છે. જાત જાતના નિયમો અને નિયંત્રણો આવી રહ્યા છે. ગેરકાયદે પ્રવેશેલાઓનું તો સમજ્યા, પણ જેમની પાસે કાયદેસરના વસવાટના દસ્તાવેજો છે તેમણે પણ હાલ અધ્ધરજીવે રહેવું પડે છે કેમ કે તેમના માટે પણ નવા નવા નિયમો અને આદેશો આવતા રહે છે. હાલમાં એક નવો નિયમ અમલી બનાવાયો છે જે મુજબ અમેરિકામાં ૩૦ દિવસ કરતા વધુ સમયથી રહેતા તમામ વિદેશી નાગરિકોએ હવે ફરજિયાતપણે ફેડરલ સરકાર સમક્ષ તેમની નોંઘણી કરાવવી પડશે નહીંતર તેઓ દંડ, જેલ અને હકાલપટ્ટીનો સામનો કરી શકે છે.
આ નોંધણીનો નિયમ તો સમજ્યા, પરંતુ નોંધણી કરાવેલા ઇમિગ્રન્ટોએ પણ પોતાના લીગલ સ્ટેટસરના કે ઓળખના પુરાવા જ્યારે માગવામાં આવે ત્યારે બતાવવા પડશે એમ એક નિયમ કહે છે. અમેરિકામાં કોઇ પણ ઇમિગ્રન્ટ, જેઓ ત્યાં કાયદેસર રીતે વર્ક વિઝા કે સ્ટડી વિઝા પર રહેતા હોય તેમણે પણ તેમના લીગલ સ્ટેટસના પુરાવા 24×7 સાથે રાખવા જરૂરી બનશે. આની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા એન પછી કરવામાં આવી છે જ્યારે અમેરિકાની એક કોર્ટે તેને તે એક વિવાદાસ્પદ નિયમ અમલી બનાવવાની છૂટ આપી છે જેમાં અમેરિકામાંના ગેરકાયદે ઇમિગ્રન્ટોએ સરકારમાં તેમની નોંધણી કરાવવાનું અને દસ્તાવેજો સાથે રાખવાનું જરૂરી બને છે.
આ નિયમ ૧૧ એપ્રિલથી અમલમાં આવ્યો છે. વિદેશીઓ માટેની નોંધણીની જરૂરિયાતનો નિયમ છેક ૧૯૪૦ના એલિયન રજીસ્ટ્રેશન કાયદામાં મૂળ ધરાવે છે. આ કાયદો અમેરિકામાં રહેતા ઇમિગ્રન્ટો માટે નોંધણી જરૂરી બનાવે છે પરંતે તેનો કયારેય એકધારો અમલ થયો નથી. હવે આ નવો નિયમ તેનું કડક અમલીકરણ સુનિશ્ચિત કરશે. 14 વર્ષથી વધુ ઉંમરના બધા બિન-નાગરિકો જે 30 દિવસ કે તેથી વધુ સમયથી અમેરિકામાં રહે છે તેઓએ ફોર્મ G-325R ભરીને સરકાર સાથે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. માતાપિતાએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની નોંધણી કરાવવી પડશે. વધુમાં, 11 એપ્રિલે અથવા તે પછી અમેરિકા આવનારાઓએ આગમનના 30 દિવસની અંદર નોંધણી કરાવવી પડશે. પાલન કરવામાં નિષ્ફળ રહેનારાઓને દંડ, કેદ અથવા બંને થઈ શકે છે. જે લોકો પોતાનું સરનામું બદલશે તેઓએ 10 દિવસની અંદર સત્તાવાળાઓને જાણ કરવી પડશે, નહીં તો તેમને 5,000 ડોલર જેટલો દંડ થઈ શકે છે.
વધુમાં ઇમિગ્રન્ટ્સના ૧૪ વર્ષના બાળકોની સરકાર સમક્ષ ફરીથી નોંધણી કરાવવી પડશે અને ૧૪ વર્ષના થયાના ૩૦ દિવસની અંદર તેમના ફિંગરપ્રિન્ટ્સ સબમિટ કરવા પડશે. જો કે, માન્ય વિઝા ધરાવતા અથવા ગ્રીન કાર્ડ ધરાવતા લોકો પહેલાથી જ નોંધણી કરાવેલા માનવામાં આવે છે અને તેમને ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. જો કે, તેમણે ચોવીસ કલાક પોતાની સાથે દસ્તાવેજો રાખવા પડશે અને અધિકારીઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે તે પૂરા પાડવા પડશે. ૧૮ વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ બિન-નાગરિકોએ આ દસ્તાવેજ (નોંધણીનો પુરાવો) હંમેશા સાથે રાખવા પડશે.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ તો હકાલપટ્ટી સહિતના વિવિધ પગલાઓનો સામનો કરશે પરંતુ કાયદેસર રીતે અમેરિકામાં રહેતા વિદેશીઓ માટે પણ અમેરિકામાં રહેવાનું હવે બહુ સરળ નહીં હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. DHS કહે છે કે નોંધણી એ બાબતની ખાતરી કરે છે કે સરકાર તમારી હાજરી વિશે જાણે છે. જો કોઈ પાસે યોગ્ય કાનૂની દસ્તાવેજો નથી, તો વ્યક્તિને દેશનિકાલ કરવા માટે પગલાં લેવામાં આવશે.
જે લોકો નોંધણી કરાવવામાં નિષ્ફળ જાય તેમને પ૦૦૦ ડોલરનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ થઇ શકે છે. ટ્રમ્પ પ્રશાસનની કડકાઇથી સર્જાયેલા માહોલનું પ્રતિબિંબ એ બાબતમાં પડે છે કે યુએને પણ પોતાના કર્મચારીઓેને સૂચના આપી છે કે તેઓ પોતાના ઓળખના પુરાવા હંમેશા સાથે રાખે, અને અમેરિકી સત્તાવાળાઓ માગે તો તે બતાવે. યુએનનું વડુમથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે અને ત્યાં રહેતા વિદેશી કર્મચારીઓને પણ હેરાનગતિનો ભય છે! ટૂંકમાં, અમેરિકામાં રહેવું હવે કાયદેસર રીતે રહેતા વિદેશીઓ માટે પણ કંઇક મુશ્કેલ બનશે.