શહેરના ફતેગંજ ચારરસ્તા પાસે સેફ્રોન ટાવર પાસે દેખાવો કરતા વડોદરા શહેર યુથ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

(પ્રતિનિધિ) વડોદરા તા. 21
અમેરિકા દ્વારા ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને અપમાનિત કરીને સાંકળથી બંદિવાન બનાવી જે રીતે દેશના નાગરિકોને પરત ભારતમાં મોકલી રહ્યા છે તેમ છતાં દેશના વડાપ્રધાન અને સરકાર આ સમગ્ર મામલે મૌન છે જ્યારે બીજા દેશોની સરકારો પોતાના નાગરિકોને પરત લાવવા ખાસ વિમાન મોકલી રહી છે સાથે જ તે દેશોના રાષ્ટ્રપ્રમુખ , વડાપ્રધાન પોતાના નાગરિકોને આવકારવા જાતે એરપોર્ટ પર જતા હોય આ સમગ્ર બાબતે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા શહેરના ફતેગંજ ખાતે દેશના વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી હતી.

અમેરિકામાં રાષ્ટ્ર પ્રમુખ તરીકેનું સુકાન સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક આકરા નિયમો લાગુ કર્યા છે જેમાં ટેરીફનો મુદો હોય કે પછી અમેરિકામાં રહેતા અને પ્રવેશતા ગેરકાયદે વિદેશીઓને પરત તેમના દેશમાં મોકલવાનો નિર્ણય, રશિયા યુક્રેન યુદ્ધ તથા કર્મચારીઓ ની છટણી સહિતના મુદ્દે અમેરિકા હાલમાં નિર્ણયો લઈ રહ્યું છે જેના ભાગરૂપે હવે અમેરિકામાં રહેતા ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને સાંકળથી બંદિવાન બનાવી આર્મીના પ્લેનમાં પરત કરી રહ્યા છે.તાજેતરમા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નવા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ની મુલાકાતે જઈ આવ્યા છતાં ભારતીયોને અપમાનિત કરીને અમેરિકા દ્વારા પરત મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ સંદર્ભે
વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા શુક્રવારે શહેરના ફતેગંજ ચારરસ્તા પાસે આવેલા સેફ્રોન ટાવર નજીક વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું જે દરમિયાન પોલીસ દ્વારા યુથ કોંગ્રેસના હોદ્દેદારો જેમાં કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા, આશિષ કોટડીયા, યસ રાજપુત, નિખિલ સોલંકી, ફાલ્ગુન સોરઠીયા, મુનાફ પઠાણ, ફેઇઝલ વોહરા અને અન્ય કાર્યકરોની ધરપકડ કરવામા આવી હતી. આ અંગે પવન ગુપ્તાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશ વાસીઓને વિશ્વગુરુના નામના ઉંધા ચશ્મા પેહરાવે છે પરંતુ સત્ય એ છે કે જયારે અમેરીકા દ્વારા ભારતીયો સહિત અન્ય દેશના નાગરીકોને પરત મોકલવામાં આવ્યા હતા ત્યારે અન્ય દેશો દ્વારા પોતાના નાગરીકોને લેવા પોતાના પ્લેન મોકલવામાં આવ્યા હતા અને દેશના રાષ્ટ્રપતિ પોતાના દેશના નાગરીકોના સ્વાગત માટે ગયા હતાં ત્યારે બીજી બાજુ પોતાને વિશ્વગુરુ માનતા આપણા વડાપ્રધાન પ્લેન મોકલવાનું તો દુર ની વાત રહી પણ ભારતીયો સાથે થતું ગેરવર્તન રોકવા એક શબ્દ સુદ્ધાં બોલવાં તયાર નથી ત્યારે અમેરીકા દ્વારા વિશ્વ સામે ભારતનું અપમાન કરવામા આવ્યું છે અને વડાપ્રધાન મૌન છે તો આવા મૌન વડાપ્રધાને સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું જોઇએ અને ભારત દેશ અને દેશના નાગરીકોની માફી પણ માંગવી જોઈએ તેમ જણાવ્યું હતું.