Columns

અમુક નિશાનીઓ

એક યુવાન દુઃખી દુઃખી હાલતમાં ઘરે આવ્યો.આજે નોકરીમાં તેને બોસ ખૂબ જ ખીજાયા હતા.ભૂલ નાની હતી, છતાં બોસ તેની પર ખૂબ જ ગુસ્સે થયા અને હવે જો કોઈ ભૂલ કરશે તો નોકરીમાંથી પાણીચું આપી દેવાની ધમકી પણ આપી.મન પર આ ભાર હતો ત્યાં જ યુવાનના સ્કુટરને કોઈએ પાછળથી ધક્કો માર્યો અને યુવાન સ્કુટર સાથે નીચે પડી ગયો.સ્કુટર બહુ સ્પીડમાં ન હતું એટલે બહુ ન વાગ્યું. હાથ અને પગમાં છોલાયું.  ઘાયલ યુવાન ઘરે આવ્યો. ખૂબ જ પીડામાં હતો.અકસ્માતને લીધે હાથ પગમાં વાગ્યું ત્યાં દુખાવો થતો હતો.આજના બોસના ગુસ્સાને લીધે મનમાં ગુસ્સો અને દુઃખ હતું. વળી ઘરમાં એકલો કમાનાર હતો એટલે પરિસ્થિતિ અને સંજોગો અનુકૂળ ન હતા.આમ પણ પગાર ઓછો પડતો હતો ત્યાં નોકરી જાય તો શું કરવું? તે વિચારથી જ તે ડરી ગયો હતો.

યુવાન ઘરમાં આવી સોફા પર બેઠો.મમ્મીએ પાણી આપ્યું.પત્ની તરત દવાનો ડબ્બો લઇ આવી.ઘા પર દવા લગાડી.પાટો બાંધ્યો અને તેના માટે હળદરવાળું દૂધ લઇ આવી. દીકરી માથું દબાવવા લાગી.પરિસ્થિતિથી હારેલા મૂંઝાયેલા યુવાનને થોડું સારું લાગ્યું.તેની આંખમાં બે આંસુના બુંદ બંધાયા અને કોઈ ન જુએ તેમ તેને લૂછી નાખ્યા.યુવાનના પિતાએ તે જોયા.રાત્રે ભોજન પછી રોજના નિયમ પ્રમાણે બધાએ સૂવા પહેલાં ભગવાનને પ્રાર્થના કરી.પ્રાર્થના બાદ યુવાનના પિતા તેની બાજુમાં બેઠા અને તેનો હાથ હાથમાં લઇ બોલ્યા, ‘દીકરા, મને ખબર છે કે તારી પર બધી જવાબદારી છે. આ જવાબદારીનો ભાર તને થકવી દે છે.પણ બેટા, અમે બધા તને ખૂબ પ્રેમ કરીએ છીએ. તું અમારા માટે સર્વસ્વ છે.’ પિતાના આ શબ્દો યુવાનને ગમ્યા પણ સાથેસાથે પોતે બધું કરી શકતો નથી એવો મુંઝારો પણ થયો.પિતા તેનો દુખતો હાથ આગળ લઇ બોલ્યા, ‘બેટા, આ આજે તને વાગ્યું.દુખાવો થાય છે.

બરાબર યાદ રાખજે, તું જીવિત છે તો જ દુખાવો થાય છે.જીવિત કોશમાં જ વેદનાનો અનુભવ થાય છે.પીડા એ જીવંતતાની નિશાની છે.તારું જીવન સહેલું નથી.કુટુંબની બધી જવાબદારી તારી ઉપર છે.જીવનમાં ઘણી તકલીફો છે,પણ તું તકલીફો સામે ઝઝૂમી રહ્યો છે તે તારી હિંમતની નિશાની છે અને અમે તારી સારવાર કરી.અમે તારી જવાબદારી છીએ પણ અમે જ તને પ્રેમ કરીએ છીએ.આપણે સાથે હમણાં જ પ્રાર્થના કરી. આ પ્રેમ અમે તારી સાથે છીએ ની નિશાની છે અને આ પ્રાર્થના તું એકલો નથી, ઈશ્વર તારી સાથે છે ની નિશાની છે.આવી નિશાનીઓ જીવન જીવવાનું બળ આપે છે.’ પિતાની વાત સાંભળી યુવાનમાં સાચે નવી શક્તિનો સંચાર થયો.દરેક પરિસ્થિતિનો સામનો કરવા તે કટિબદ્ધ થયો. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top