Columns

અમીર કોણ

એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું, ‘આજે તમે બધા નગરમાં જાવ અને જે સૌથી અમીર હોય તેને ત્યાંથી તેના હાથે જ ભિક્ષા લઇ આવો. આજે હું અમીરને ત્યાંથી મળેલો રોટલો જ ખાવા માંગું છું.’ શિષ્યોને ગુરુજીને આવી વિચિત્ર શરત સાંભળી નવાઈ લાગી.પણ ગુરુજીની આજ્ઞા એટલે પાળવી તો પડે જ.અમુક શિષ્યો મસલત કરીને પહોંચ્યા નગરના રાજાના દરવાજે અને રાજાના સૈનિકોએ તેમને અટકાવ્યા.શિષ્યોએ ભિક્ષા માંગી તો કહ્યું, ‘રાજાજી દર શનિવારે દાન આપે છે ત્યારે આવજો.’

શિષ્યોએ કહ્યું, ‘અમારે તો આજે જ રાજાના હાથે જ થોડો લોટ ભિક્ષામાં જોઈએ છે.’ સૈનિકોએ કહ્યું, ‘રાજા અત્યારે તમને ભિક્ષા આપવા થોડા આવે, ચાલ્યા જાવ અહીંથી, શનિવારે આવજો.’ શિષ્યો વિચારમાં પડ્યા કે, ‘ હવે શું કરવું?’ બહુ વિચારી શિષ્યો નગરશેઠના ઘરે ગયા.નગરશેઠ આંગણામાં જ ઊભા ઊભા પોતાના નોકરને કોઈ વાતે ખીજાઈ રહ્યા હતા.શિષ્યોએ ભિક્ષા માંગી તો ભિક્ષા આપવાને સ્થાને ગુસ્સે ભરાયેલા નગરશેઠે તેમને અપમાન કરીને તગેડી મૂક્યા.’ અપમાનિત શિષ્યો હવે મૂંઝાયા.

રસ્તામાં એક વેપારીનું ઘર આવ્યું, ત્યાં ભિક્ષા માંગવા જવાનું વિચાર્યું પણ જોયું તો ઘરમાં તાળું હતું.મૂંઝાયેલા શિષ્યો ગુરુજી પાસે ગયા અને માફી માંગીને બધી વાત જણાવી અને કહ્યું, ‘અમે કોઈ અમીરને ત્યાંથી ભિક્ષા લાવી શક્યા નથી. હવે તમે જ જણાવો શું કરીએ?’ ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, અમીર એ નથી કે જેની પાસે અઢળક સંપત્તિ અને ખજાના હોય.અમીર તો એ છે કે જેનું મન મોટું હોય ,જે સદા દરેકને જરૂર પડે મદદ કરવા તત્પર હોય, જે પોતાની પાસે જે હોય તેમાં ખુશ હોય અને જે છે તે બધું આપી દેવા પણ તૈયાર હોય.જાવ, આવા કોઈ સાચા અમીરને ત્યાંથી ભિક્ષા લઇ આવો.’

શિષ્યો ફરી ભિક્ષા લેવા દોડ્યા. રસ્તામાં એક ખેડૂતનું ઘર આવ્યું ત્યાં ભિક્ષા માંગી,ખેડૂતે પ્રેમથી જે માંગ્યું, જેટલું માંગ્યું એથી વધુ અન્ન આપ્યું.’ એક ભરવાડનો દીકરો ઝાડ નીચે જમવા બેસવાની તૈયારી કરી રહ્યો હતો. તેણે પોતાની પાસેથી અડધો રોટલો બાજુમાં રમતા કૂતરાને આપ્યો.ત્યાં શિષ્યોએ ભિક્ષા માંગી તો પોતાની પાસેના ચાર રોટલા બધા જ આપી દીધા.શિષ્યોએ કહ્યું, ‘ભાઈ તું શું ખાઇશ?’ ભરવાડનો દીકરો બોલ્યો, ‘ભરવાડનો દીકરો છું ,ખડતલ છું..કોઈક ફળ કે કંદમૂળ મળશે તે  લઈશ નહિ તો બે લોટા પાણી પી લઈશ.પણ તમે આ ભિક્ષા સ્વીકારો.’ શિષ્યો દિલના સાચા અમીર ખેડૂત, જેણે માંગ્યું એથી વધારે આપ્યું અને ભરવાડનો દીકરો ,જેણે તો હતું એટલું બધું જ આપ્યું . પાસેથી ભિક્ષા લઈને ગુરુજી પાસે આવ્યા.બધી વાત કરી ગુરુજી બોલ્યા, ‘અમીર કોણ અને સાચા અમીર કોને કહેવાય તે તમને સમજાયું હશે, ચાલો હવે જમી લઈએ.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top