ડ્રેનેજ સમસ્યા ઉકેલવાના બદલે કાઉન્સિલર અને ધારાસભ્યે હાથ ખંખેર્યા: કરોડિયા-બાજવા ચાર રસ્તે હલ્લાબોલ, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા રોગચાળાનો ભય
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ઇલેક્શન વોર્ડ નં. 8 હેઠળ આવતા કરોડિયાથી બાજવા જવાના મુખ્ય માર્ગ પર આવેલી સોસાયટીઓના હજારો રહીશો છેલ્લા પાંચ મહિનાથી ડ્રેનેજ અને ગંદા પાણીની ગંભીર સમસ્યાનો ભોગ બની રહ્યા છે. સમસ્યાના નિરાકરણમાં તંત્રની ઉદાસીનતા અને સ્થાનિક નેતાઓના ઉદ્ધત જવાબોથી કંટાળીને આજે વૃંદાવન સોસાયટી, શિવ શક્તિ સોસાયટી અને ગાયત્રી પાર્ક સહિતની ચાર સોસાયટીના અંદાજે 15000 જેટલા સ્થાનિક રહીશોએ કરોડિયા-બાજવા ચાર રસ્તા ખાતે એકત્ર થઈને તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિનાથી ચાર રસ્તા પરના મુખ્ય રોડ-રસ્તા પર ડ્રેનેજ લાઇન લીકેજ થવાને કારણે ગટરના ગંદા અને દૂષિત પાણી ખુલ્લામાં ફરી વળ્યા છે. કરોડિયા ચોકડી પાસે જ ઉભરાતા ગટરના પાણીમાંથી લોકોને રોજે રોજ પસાર થવું પડે છે.
આ ગંદા પાણીથી રસ્તાઓ તૂટીને ખાડા-ટેકરાવાળા બની ગયા છે, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ, મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બીમાર દર્દીઓને અવરજવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગંદા પાણીમાંથી પસાર થતી વખતે બાળકોની સાયકલ વારંવાર પડી જાય છે, સિનિયર સિટીઝનોને આવન-જાવનમાં તકલીફ પડે છે અને બીમાર વ્યક્તિઓને દવાખાને લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે. સાથે સાથે સૌથી ગંભીર ચિંતાનો વિષય એ છે કે પીવાના પાણીની લીકેજ લાઈનોમાં ગટરના દૂષિત પાણી મિક્સ થવાના અહેવાલો છે. આ ગંદકીના કારણે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાનો મોટો ભય ઊભો થયો છે, જેને લઈને સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોએ આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વોર્ડ 8ના ચૂંટાયેલા કોર્પોરેટર તેમજ ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરી હતી. પરંતુ નેતાઓ તરફથી મળેલા ઉદ્ધત જવાબોએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. રહીશોએ આક્ષેપ કર્યો કે સ્થાનિક નેતાઓ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે “તમારા 15000 વોટની કોઈ જરૂર નથી. અમે એક લાખ કરતાં વધારે વોટથી વિજેતા થઈએ છીએ.”
પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્ન પ્રત્યેની આ ઘોર અવગણના અને નેતાઓના બેજવાબદાર નિવેદનોથી કંટાળેલા તમામ સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઈને પોતાના વિરોધને અવાજ આપ્યો હતો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્થાનિકોએ વિરોધી સૂત્રોચ્ચાર અને દેખાવો યોજીને વિસ્તાર ગજવ્યો હતો.

વિરોધ પ્રદર્શનના પગલે બાજવા કરોડિયા રોડ ચાર રસ્તા ખાતે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ તંત્ર પાસેથી તાત્કાલિક ડ્રેનેજના સમારકામ અને પીવાના પાણીની લાઇનને સુરક્ષિત કરવાની માંગ કરી છે.