અપરાધભાવ અને ક્ષમાશીલતા – Gujaratmitra Daily Newspaper

Columns

અપરાધભાવ અને ક્ષમાશીલતા

એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન રણમાં તંબુ તાણી આરામ કરતો હતો. કડકડતી હાડ ધ્રૂજાવતી ઠંડી હતી. એકાંત, ઠંડી અને મનમાં ઘૂમરાતા વિચારો એને ઊંઘ આવવા દેતા ન હતા.  હજુ થોડા દિવસ પહેલાં જ એના જ્યેષ્ઠ પુત્રની કોઈ અજાણ્યા શખ્સે બંદૂકની ગોળી મારી હત્યા કરી નાખી હતી;  એની અસહ્ય પીડા એના હૃદયમાં  હતી. વ્યથાનો કોઈ પાર ન હતો.  જો હત્યારો હાથ લાગે તો તેનું ખૂન કરી બદલો લેવાની ઝંખના તેના મનમાં ઘૂમરાતી હતી. આવા સમયે, ઘનઘોર અંધારામાં એક અજાણ્યો આદમી દોડતો દોડતો આવી શેખના પગે પડ્યો અને કરગરવા લાગ્યો; ‘‘આપ કૃપા કરી મને બચાવી લો. મારા શત્રુઓ મારી પાછળ પડી ગયા છે.  તેઓ મને મારી નાખવા માંગે છે. હું દોડીને થાકી ગયો છું. હવે વધુ દોડી શકું તેમ નથી. કૃપા કરીને મને આજની રાત આપના તંબુમાં આશરો આપો. ડરનો માર્યો એનો દેહ ધ્રૂજી રહ્યો હતો.’’

  શેખ દયાળુ હતો. એણે આ અજાણ્યા આદમીને તંબુમાં આશરો આપ્યો, એટલું જ નહીં પણ મહેમાનની જેમ આગતાસ્વાગતા કરી. ખવડાવ્યું, પીવડાવ્યું. ભૂખતરસ સંતોષાતાં થાકેલોપાકેલો આ આદમી નિરાંતે આખી રાત ઊંઘી ગયો.‌ સવાર થતાં શેખે એને જગાડ્યો અને કહ્યું, ‘‘ભાઈ તને સારી ઊંઘ આવી ગઈ, ખાધું-પીધું છે એટલે તારામાં શક્તિ આવી ગઈ છે એટલે સૂરજ ઊગે તે પહેલાં તારે અહીંથી ભાગી છૂટવું જોઈએ. મેં મારો ઘોડો તારા માટે તૈયાર રાખ્યો છે. શેખે એક પેટી એને ભેટ ધરી જેમાં સોનું મૂકેલું હતુ.

  શેખનો તદ્દન અજાણી વ્યક્તિ તરફનો આ વ્યવહાર જોઈ  આ આદમી દિગ્મૂઢ થઈ ગયો. ક્ષણભર અવાક્ થઈ ગયો. શું કહેવું, શું કરવું તેની ગડમથલમાં પડયો. વ્યથાનાં માર્યાં એની આંખમાંથી આંસુ દડદડવા લાગ્યાં. શેખ પાસે ઘૂંટણિયે પડી એના પગ પકડી લીધા અને રડમસ અવાજે બોલ્યો, ‘‘ઓ દયાળુ શેખ, આપે મારી જીંદગી બચાવી અને મને ઘણી મદદ કરી છે. પરંતુ મારે આપને સત્ય હકીકત કહેવી છે. ‘મેં જ આપના દીકરાની હત્યા કરી હતી. હું મરવા માટે તૈયાર છું. આપ મને મારી નાખો !’’ આ સાંભળી, શેખના પગ નીચેથી ધરતી સરકવા લાગી. આખા શરીરમાં ધ્રૂજારી વ્યાપી ગઈ.

માથે હાથ મૂકીને જમીન પર બેસી ગયો. ઘડીભર અવાક્ થઈ ગયો. પછી કળ વળતાં ઊભો થયો, થોડું વધારે સોનું આપ્યું અને કહ્યું, ‘‘હું તને મારી નહીં નાખું. તે કબૂલાત કરી એ જ ઉત્તમ છે. આ સોનું નવી જિંદગી શરૂ કરવા આપું છું જે એના માટે પૂરતું છે. હું તને માફ નહીં કરું તો હું ઊણો ઊતર્યો કહેવાઉં. વેર લેવાની લાગણી મારા મનમાં સળગી રહી છે. તું ચાલ્યો જા અને મારામાં રહેલી એ વેરની ભાવનાને લેતો જા. આવું બને તો જ મારા દીકરાના આત્માને શાંતિ મળશે. ખુદા તને માફ કરે! અને મને પણ માફ કરે, કારણ કે વેર અને‌ ધિક્કારની લાગણી મેં મારા દિલમાં સેવી હતી.’’ કેટલો પ્રેરણાદાયી કિસ્સો ‌છે આ! હાથમાં આવેલ દીકરાના હત્યારાને માફી આપી જતો કરવો અને ઉપરથી નવી જિંદગી શરૂ કરવા સહાય કરવી એ શું નાનીસૂની વાત છે?

કોઈ વીરપુરુષ જ આવું કરી શકે!! અહીં ખાસ વિચારણા માગી લેતો મુદ્દો છે ‘અપરાઘભાવનો.’ પેલા અજાણ્યા આદમીના દિલમાં જે અપરાધભાવ દબાયેલો હતો તે શેખની ઉદારતા જોઈ ઊભરી આવ્યો, જેને કારણે તે સ્વયં મોત સ્વીકારવા તૈયાર થઈ ગયો. જો તેમ થયું ન હોત તો એ શેખે આપેલ સોનું લઈ શેખના દીકરાની તેણે કરેલ હત્યાના રાઝને રાઝ જ રહેવા દઈ ચાલ્યો ગયો હોત તો શેખને તેની જાણ જ થઈ ન હોત. પણ અપરાધભાવ માનવીના મનને વિચલિત કરી મૂકે છે. જેની કબૂલાત તેના મનની શાંતિને પુનઃ સ્થાપિત કરે છે. પણ જો કોઈ અપરાધી કોઈની પણ પાસે કબૂલાત કરી તેનું મન હળવું ન કરે તો તે ઘાતક સ્વરૂપ ધારણ કરે છે. જોઈએ બાઈબલનું એક ઉદાહરણ.

ઈસુ ખ્રિસ્તના ઘણા શિષ્યો હતા તે પૈકીના બાર વરિષ્ઠ શિષ્યો હતા. તેમને પ્રેષિતો તરીકે ઓળખવામાં આવે છે. આ બાર શિષ્યોને ઈસુએ જાતે જ પસંદ કરેલા હતા. આ શિષ્યો કાયમ ઈસુની સાથે જ રહેતા હતા. આ બાર શિષ્યો પૈકીનો એક યહુદા ઈસ્કારિયોત નામનો શિષ્ય સૌથી નાની ઉંમરનો હતો અને ઈસુનો  ખાસ માનીતો શિષ્ય હતો. ઈસુ એમની થાળીમાં એને જમાડતા. આટલા પ્રિય શિષ્યમાં  શેતાને પ્રવેશ કર્યો અને નજીવી રકમ- માત્ર ચાંદીના ત્રીસ સિક્કા માટે ઈસુને તેમના વિરોધી, યહૂદી ધર્મના મુખ્ય પુરોહિતને સોંપી દેવાનું બીડું ઝડપ્યું અને દગો કરી પકડાવી દીધા. ઈસુ પર ધર્મદ્રોહનો આરોપ મૂકીને તેમને ક્રોસ પર જડી મૃત્યુદંડની સજા ફરમાવી.

દગાખોર યહુદાને જ્યારે આ સજાની જાણ થઈ ત્યારે એ વિચલિત થઈ ગયો. એનું દિલ વ્યથિત થઈ ગયું. બહાવરો બની  ગયો. મુખ્ય પુરોહિત પાસે દોડી ગયો અને આવેશમાં આવી પેલા ચાંદીના ત્રીસ સિક્કા તેના પર ફેંકતાં લો આ તમારાં હરામનાં નાણાં અને છોડો મારા પ્રભુને. નાણાં  ફેંકી  બેબાકળા બની અપરાધભાવના બોજા હેઠળ તેણે આપઘાત કરી લીધો! આ છે અપરાધભાવની અસર. જો એણે એના અપરાધને સ્વીકારી લઈ ઈશ્વરની માફી માગી લીધી હોત, ઓછામાં ઓછું એના સાથી પ્રેરિતો પાસે દિલ હળવું કર્યું હોત તો એની આ દશા થઈ ન હોત !

Most Popular

To Top