Business

અપને માઝી કી જુસ્તુજૂ મેં બહારપીલે પત્તે તલાશ કરતી હૈ- ગુલઝાર

તાના અતીતની અપેક્ષામાં વસંત, પીળાં પાંદડાંને શોધે છે. આપણે વસંત ઋતુમાં પણ પાનખરને સતત યાદ કરીએ છીએ. વીતેલી પાનખર દરેક વસંત ઋતુને તેના અતીતની યાદ અપાવે છે. માણસને પણ વસંતમાં પણ પાનખર સતત સતાવે છે. માણસનો ભૂતકાળ ક્યારે પણ તેનો પીછો છોડતો નથી. વસંતનો મહિમા પાનખરનાં સૂકાં પાંદડાં વચ્ચેથી પસાર થાય છે. પાનખર બાદ જ વસંતમાં નવી કૂંપળો ફૂટે છે. સૂકાં પાંદડાં ખરે છે ત્યારે જ નવી કૂંપળો ખીલે છે. દરેક વસંત પહેલાં એક પાનખરની વીરાની વૃક્ષોને સહન કરવી પડે છે. જીવન પણ આવી વસંત-પાનખર વચ્ચે જીવાતું હોય છે. માણસ માટે પણ ખુશીની પળથી વધુ વેદનાની પળોને સહન કરવાની હોય છે. ખુશી કે આનંદની પળો તો ખૂબ મર્યાદિત હોય છે પરંતુ દુઃખદર્દની પળો વધુ હોય છે. આમ આવી વસંત અને પાનખર દરેકના જીવનમાં આવતી રહે છે. વસંતની પ્રતીક્ષા કરો ત્યારે વીતેલી પાનખરને યાદ કરવી પડે છે. નવાં પર્ણો પહેલાં સૂકાં પાંદડાંની દશાને પણ યાદ કરવી પડે છે. જનમ અને મરણ વચ્ચેની આ આખી જિંદગીમાં માણસને ઘણી પાનખરો વચ્ચેથી પસાર થવું પડે છે. તમારી સામે જ્યારે પણ કોઈ ખુશીનો અવસર આવે ત્યારે પાછળ ફરીને વીતેલા દુઃખના પ્રસંગને યાદ કરી લેવો જોઈએ. જીવનના કપરા સમયને યાદ કરવાથી સારા સમયમાં આપણી ગતિ મર્યાદામાં રહે છે. કેટલીક વખત માણસ અતીતને ભૂલી જાય છે ત્યારે ઘણું ગુમાવે છે. અતીતને નજર સમક્ષ રાખો તો ઘણી ભૂલોથી બચી શકાય છે. દરેક પાનખર આવનારી વસંતને નવો પાઠ ભણાવે છે. આવા અનુભવો જ માણસને સંયમ રાખવા માટે દિશા બતાવે છે. સુખ-દુઃખ તો જીવનમાં વારાફરતી આવતાં રહે છે પરંતુ જે માણસ સુખમાં પણ દુઃખના દિવસો ભૂલતો નથી તે સુખના સમયે ભાન ભૂલતો નથી. જીવનમાં ચઢાવઉતાર તો આવતા રહે છે. વસંત ઋતુમાં વૃક્ષો જો પાનખરને ભૂલી જાય તો તે ઘણું ગુમાવે છે. દરેક વસંત પહેલાં પાનખર પોતાનો મિજાજ બતાવે છે. પાનખરને ભૂલવી ના જોઈએ. દરેક કૂંપળ સૂકાં પાંદડાંના ખરવા પછી જ ઊગે છે.- હનીફ મહેરી

Most Popular

To Top