જેમ નરગીસને લોકોએ રાજકપૂરની પ્રેમિકા તરીકે જ જોઇ, મધુબાલાને યાદ કરતાં લોકો ય તેને દિલીપકુમાર સાથેની પ્રેમકહાણીથી જ યાદ કરે છે તેમ રેખા આજે પણ અને હંમેશા અમિતાભની પ્રેમિકા તરીકે જ જોવાશે. આ સત્ય હવે જયા બચ્ચને પણ સ્વીકારી લેવું પડયું છે. અલબત્ત, રેખા માત્ર અમિતાભની પ્રેમિકા નથી. અભિનેત્રી તરીકે તેનું સ્વતંત્ર રજૂદ છે. સાઉથથી આવેલી વૈજ્યંતીમાલા, વહીદા રહેમાન, હેમા માલિની, શ્રીદેવી અને જયાપ્રદા સહિતની અભિનેત્રીઓને જોશો તો તેમણે હિન્દી ફિલ્મોમાં કમાલનો પ્રભાવ ઊભો કર્યો છે. બધી જ સારી અભિનેત્રીઓ અને નૃત્યાંગના છે. એ બધામાં જ એક રેખા છે. હા, રેખાની ઓળખ નૃત્યાંગના તરીકે કયારેય નહોતી પણ મુંબઇમાં પણ મુકયા પછી તેણે સતત પોતાને દરેક બાબતે સજ્જ બનાવી. વૈજયંતીમાલા, હેમામાલીની, શ્રીદેવી અને જયાપ્રદાએ હિન્દી ફિલ્મમાં કારકિર્દી આરંભી ત્યારથી જ તેમનાં સૌંદર્યની ચર્ચા થતી, જયારે રેખા વિશે એવું ન હતું. તેણે પોતાનું અદ્ભૂત રૂપાંતરણ કર્યું. આ રૂપાંતરણ માત્ર શરીરનાં સૌંદર્યનું જ નહોતું. તેના વિચારો અને તેની સંવેદન સૂક્ષમતા પણ એક કલાસિક સ્ત્રીનાં કહી શકાય એવા ઘડાયા. અમિતાભ જેવા કલ્ચર્ડ પુરુષની સંગત કેળવવા તે બધી જ રીતે તત્પર બની હતી. રેખા આજે જયા બચ્ચન કરતાં પણ વધારે ગ્રેસફૂલ લાગે છે. તેના જીવનમાં જે કાંઇ સારું ખરાબ બન્યું તેમાંથી ખરાબને તેણે પોતાના એક સમયનાં અનુભવ તરીકે સ્વીકારીને પાછળ મુકી દીધું છે. આજે રેખાની ચર્ચા કોઇ ખરાબ દ્રષ્ટિથી કરતું નથી. રેખાએ માન-સ્વમાનની યાત્રા પોતાના એકાંતમાં રહીને કરી છે. રેખા આજે પણ જાહેર કાર્યક્રમોમાં, જાહેર મંચ પર દેખાય છે તો બધાની આંખમાં માત્ર તે જ રહે છે. આ રેખાનાં ઉત્તમ રૂપને ફિલ્મનાં પરદે જોવા હોય તો ‘દો અંજાને’, ‘ઘર’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ઉમરાવ જાન’, ‘સિલસિલા’, ‘ઉત્સવ’, ‘ઇજાજત’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘જુદાઇ’, ‘ખૂન ભરી માંગ’ જેવી ફિલ્મો જોવી જોઇએ. હિન્દી ફિલ્મોમાં હીરોનું વર્ચસ્વ હોય છે પણ રેખાએ તેમાં પોતાની તાકાતથી રસ્તો કર્યો. દુલાલ ગુહા, ગુલઝાર, યશ ચોપરા, મુઝફ્ફર અલી, શ્યામ બેનેગલ, ઋષિકેશ મુખરજી, ગિરીશ કર્નાડને તેની જરૂર પડી. અરે, બાસુ ભટ્ટાચાર્યની ‘આસ્થા’માં તે ઓમ પુરી સાથે આવી. તમે રેખાના હીરોની રેન્જ જોશો તો નવાઇ પામી જશો અને સમજાશે કે તે સારા વિષયો અને પાત્રોને કેન્દ્રમાં રાખી ફિલ્મો પસંદ કરતી હતી. પોતે ટોપ એકટ્રેસ છે અને અમિતાભ, જીતેન્દ્ર, ધર્મેન્દ્રની હીરોઇન છે એવું જ મનમાં રાખીને નથી ચાલી.
ભાનુરેખા ગણેશનમાંથી રેખા થવાની યાત્રા તેણે બિલકુલ પોતાની રીતે કરી છે. રેખાની મા પુષ્પાવલ્લી આમ તો જેમિની ગણેશનની રખાત જ હતી. રેખાએ જયારથી સમજણમાં આવી ત્યારથી જ પોતાનાં પગ મુકવાની જમીન શોધવાની હતી. 1969માં તે મુંબઇ આવી અને તેને જે પહેલી ફિલ્મ મળેલી તેનું નામ પણ ‘અંજાના સફર’ જ છે. (એ ફિલ્મનું નામ પછી ‘દો શિકારી’ થયેલું) ત્યારે તે જૂહુની હોટલ અજંતાના રૂમ નંબર 115માં રહેલી હતી. આજે પંચાવનમાં વર્ષે તે જે ઓળખ સાથે સન્માન પામે છે તે તેની મહેનત અને નિરંતર મથામણનું પરિણામ છે. શરૂમાં તે મદ્રાસી છોકરી તરીકે જ જાણીતી થયેલી. કાળી પણ હતી ને જાડી પણ હતી. હિન્દી બોલવાનાં ઠેકાણા નહીં. પણ તેનામાં કાંઇક હાંસલ કરવાની આગ હતી. ‘અંજાના સફર’ના સેટ પર વિશ્વજીતે શૂટિંગના ભાગ રૂપે અચાનક જ પૂરા જોશથી તેને ચુંબન કર્યું. એ ચુંબન પટકથામાં સૂચવાયેલું નહોતું. રેખા ત્યારે પંદર વર્ષની ય નહોતી. નવા હો, તમારા રક્ષણ માટે સાથે કોઇ ન હોય તો આવી છૂટ લેવાતી હોય છે. રેખા ખૂબ અપમાનિત અનુભવતી હતી પણ તે હારે તેવી નહતી અને ‘સાવન ભાદોં’ ફિલ્મ આવી અને પહેલીવાર તેણે પોતાની જગ્યા જોઇ. રેખાને પંજાબી હીરો વધારે ગમ્યા છે ને ‘સાવન ભાદોં’માં પંજાબી નવીન નિશ્ચલ હતો. જો કે તેણે ફિલ્મના દિગ્દર્શક મોહન સેગલને કહેલું કે ‘આ નમૂનાને તમે કયાંથી પકડી લાવ્યા? આટલી કાલી-કલુટી?’ પણ નવીન નિશ્ચલ ન ચાલ્યો અને સ્ટાર તો રેખા જ બની. 1969માં રેખાની કારકિર્દી શરૂ થઇ તે વર્ષે જ અમિતાભ ‘સાત હિન્દુસ્તાની’માં પ્રથમવાર દેખાયા. એટલે અમિતાભ અને રેખાની કારકિર્દી સાથે શરૂ થઇ છે. હા, જયા બચ્ચન 1963ની ‘મહાનગર’માં ટીનેજર તરીકે આવી ચુકી છે અને 1971ની ‘ગુડ્ડી’થી તેની ઓળખ શરૂ થઇ. રેખા-અમિતાભ સૌ પ્રથમ ‘દુનિયા કા મેલા’માં સાથે આવ્યા હતા પણ પછી અમિતાભની જગ્યાએ સંજય ખાન લેવાતાં વાત બદલાઇ ગઇ. બાકી એ ફિલ્મ માટે રેખા-અમિતાભે ‘તૌબા તૌબા’ ગીતનું શૂટિંગ પણ પૂરું કરી દીધેલું. પણ 1976ની ‘દો અંજાને’માં મળ્યા અને વિનોદ મહેરા, કિરણકુમારના પ્રેમથી ઘવાયેલી રેખાને અમિતાભ મળી ગયા. અમિતાભની ‘ઝંઝીર’ તો 1973માં આવી ચુકી હતી.
‘દો અંજાને’થી ‘અંજાના સફર’થી કારકિર્દી શરૂ કરનાર રેખાની નવી સફર શરૂ થઇ. અમિતાભની પ્રતિભા અને વ્યકિતત્વની સૌથી વધુ અસર કોઇએ ઝીલી હોય તો તે રેખા છે. પ્રેમ શું કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આ બંનેનાં સંબંધ છે. રેખા ચૂપચાપ રીતે લેડી અમિતાભ તરીકે સ્થપાઇ ગઇ. રેખાએ મુકેશ અગ્રવાલ સાથે ખોટાં જ લગ્ન કરેલા, તે અમિતાભ સિવાય કોઇની થઇ શકે તેવી રહી નહોતી. જયા બચ્ચન રેખાથી તૂટતું લગ્નજીવન જરૂર બચાવી શકી છે પણ રેખાથી અમિતાભને અમિતાભથી રેખાને બચાવી શકી નથી.
11 ઓકટોબરે અમિતાભનો જન્મ દિવસ છે ને રેખાનો 10મી ઓકટોબરે. રેખા 70મા વર્ષના પ્રવેશે પણ ગ્રેસફુલ, શાલીન, દરજ્જેદાર દેખાય છે. એ વૃધ્ધ નથી દેખાવાની જેમ અમિતાભ પણ હજુ વૃધ્ધ નથી. રેખા 2014ની ‘સુપર નાની’માં આવી હતી ને ત્યાર પછી ‘યમલા પગલા દીવાના ફીરસે’માં ખાસ ભૂમિકા કરેલી. તે ચાહે તો વધુ ફિલ્મોમાં કામ કરી શકી હોત અને તો પણ તે 192 ફિલ્મોમાં તો કામ કરી ચુકી છે. રેખા આજે પણ ફિલ્મોનાં સમારંભમાં દેખાય તો છવાઇ જાય છે. ટી.વી.ના રિયાલિટી શોમાં તે ગાતી હોય તો લાગે કે તે સારી ગાયિકા છે. સ્વર પર નિયંત્રણ છે. નાચે તો લાગે કે શરીરનાં અંગો લયમાં છે. તેના અવાજમાં કસક ને કામણ છે. રેખાને જોનારા કોઇ પણ કહેશે: આયુષ્યમાન ભવ: •
અને કાળી કલુટી ભાનુરેખા ગ્લેમરસ રેખા બની ગઈ
By
Posted on