નિયમો નેવે મૂકનાર ચાલકની બેદરકારીને કારણે ઘટના, સવારે 5:45 કલાકે અકસ્માતથી વાહનોને નુકસાન

વડોદરા: શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક સિગ્નલની અવગણના કેટલી જોખમી સાબિત થઈ શકે છે, તેનો વધુ એક દાખલો સોમવારે સવારે વડોદરાના કોઠી ચાર રસ્તા પાસે જોવા મળ્યો હતો. એક કાર ચાલકની અધીરાઈ અને બેદરકારી અન્ય વાહનચાલકો માટે જોખમરૂપ બની હતી, જેના પરિણામે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે વહેલી સવારે લગભગ 5:45 વાગ્યાની આસપાસ કોઠી ચાર રસ્તા પર આ ઘટના બની હતી. એક કાર ચાલકે રેડ સિગ્નલની સદંતર અવગણના કરીને બેફામ ગતિએ સિગ્નલ ક્રોસ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેની આ ઉતાવળ ભારે પડી હતી.
લાલ લાઇટ હોવા છતાં સિગ્નલ ક્રોસ કરનાર આ કાર ચાલક સીધો જ ગ્રીન સિગ્નલ મળતા નિયમ મુજબ પસાર થઈ રહેલી અન્ય એક કાર સાથે જોરદાર રીતે ભટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતમાં સંડોવાયેલી બંને કારને મોટું નુકસાન થયું હતું. ઘટનાસ્થળે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી.
સૌથી રાહતની વાત એ રહી કે, આ ગમખ્વાર અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઈજા સર્જાઈ નહોતી. જોકે, આ ઘટના ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોની બેદરકારી અને તેમની જોખમી માનસિકતા પર ગંભીર સવાલ ઊભા કરે છે. રાત હોય કે દિવસ, સિગ્નલ બંધ હોવા છતાં લોકોમાં આગળ નીકળી જવાની જે ઉતાવળ જોવા મળે છે, તે પોતાનાની સાથે અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે.
આ ઘટના એ વાતનો સ્પષ્ટ સંદેશ આપે છે કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું માત્ર દંડથી બચવા માટે નહીં, પણ પોતાની અને અન્યની સલામતી માટે અત્યંત આવશ્યક છે. અધીરાઈભર્યું ડ્રાઇવિંગ “લેવાના દેવા” કરાવી શકે છે.