Vadodara

અટલ બ્રિજ પર સ્કૂલ બસની બ્રેક ફેઈલ, ત્રણ વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત

વડોદરાના સૌથી લાંબા બ્રિજ પર રફ્તારનો કહેર; માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાયા, બે કારના કુરચા બોલી ગયા

વડોદરા: શહેરના સૌથી લાંબા ગણાતા અટલ બ્રિજ પર શનિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. એક ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેઈલ થઈ જતાં બસે આગળ જતી બે કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બ્રિજ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બસમાં સવાર બાળકોનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરસ્વતી સ્કૂલના બાળકોને લઈને પસાર થઈ રહેલી બસ જ્યારે અટલ બ્રિજ પરથી ઉતરી રહી હતી, ત્યારે અચાનક તેની એર બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. બસના ડ્રાઈવર જણાવ્યું હતું કે, “બ્રિજ ઉતરતી વખતે મેં બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એર નીકળી જવાને કારણે બ્રેક લાગી ન હતી.” કાબૂ ગુમાવેલી બસે તેની આગળ જઈ રહેલી બે લક્ઝુરિયસ કારને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના પાછળના ભાગ ડીકી અને બમ્પર ને ભારે નુકસાન થયું હતું.
અકસ્માત સમયે સ્કૂલ બસમાં અનેક બાળકો સવાર હતા. અચાનક થયેલા ધડાકા અને બસના ઝટકાને કારણે બાળકો ગભરાઈ ગયા હતા અને તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, સમયસૂચકતાને કારણે કોઈ પણ બાળકને ગંભીર ઈજા પહોંચી નથી, જે મોટી રાહતની વાત છે.
ઘટનાની જાણ થતા જ 112 પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને કારણે બ્રિજ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને પોલીસે થાળે પાડ્યો હતો. પોલીસે બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ બસના ફિટનેસ સર્ટિફિકેટ અને મેન્ટેનન્સ અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.
આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ વાહનોની સુરક્ષા અને તેમના નિયમિત મેન્ટેનન્સ સામે સવાલો ઊભા કર્યા છે.

Most Popular

To Top