Vadodara

અટલાદરા બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત વિશ્વ પરિવર્તન મહાકુંભ જ્ઞાન મેળાનું ઉદ્ઘાટન ખૂબ જ ધામધૂમથી થયું

મણિનગર સબ ઝોન ઇન્ચાર્જ અને વરિષ્ઠ રાજયોગિની બી.કે. નેહા દીદીએ મહાશિવરાત્રીનું આધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું

વિવિધતાના સંગમથી મેળાની સુંદરતા અને આકર્ષણમાં વધારો થયો

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર, વડોદરા દ્વારા પાંચ દિવસીય વિશ્વપરિવર્તન જ્ઞાન મહાકુંભ મેળાનું ઉદ્ઘાટન સમસ્ત પરિસર સાઈટ – ૩૦ મીટર રોડ, બિલ-ભાઈલી કેનાલ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.

૨૨ ફેબ્રુઆરી, શનિવારના રોજ, અટલાદરા સેવા કેન્દ્ર શુભારંભ સ્થળ થી મણિનગર સબ ઝોન ઇન્ચાર્જ બી.કે. નેહા દીદી અને સંચાલિકા અટલાદરા સેવા કેન્દ્રના ડૉ. બી.કે અરુણાબેન તેમજ આમંત્રિત મહેમાન શ્રી ચૈતન્ય દેસાઈ – ધારાસભ્ય – અકોટા અને શ્રી સંગીતા ચોક્સી – કોર્પોરેટર ના વરદ હસ્તે ફેલ્ગ ઓફ કરી શિવનો સંદેશ આપતી ૧૨ જ્યોતિર્લિંગોની એક સુંદર શોભાયાત્રા મેળાના સ્થળ સુધી પહોચી હતી. આ પછી, વડોદરા શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો અને સંસ્થાના ભાઈ – બહેનો ની હાજરીમાં, બ્રહ્માકુમારી ગુજરાતના ૬૦ વર્ષ પૂર્ણ થવાના ડાયમંડ જ્યુબિલીના શુભ પ્રસંગે ૧૨ જ્યોતિર્લિંગની સ્થાપના કરી ૬૦ શિવધ્વજ લહેરાવીને મેળાનો શુભારંભ કરવામાં આવ્યો.


આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી શૈલેષ મહેતા (સોટ્ટા) – ધારાસભ્ય ડભોઇ, અને વડોદરા શહેર ના માનનીય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સમસ્ત પરિસર ના શ્રી ધવલ રૂપારેલીયા, ડૉ. મેઘના જોશી, શ્રી ઉમંગ બ્રહ્મભટ્ટ- કોર્પોરેટર, શ્રી નીતિન ડોંગા – કોર્પોરેટર, શ્રી લીલાબેન મકવાણા – કોર્પોરેટર અને ડો. મિતેશ શાહ – પ્રેસીડન્ટ (IMA) ની ઉપસ્થિતીમાં મુખ્ય વક્તા તરીકે, બ્રહ્માકુમારીઝ અમદાવાદ મણિનગર સબ-ઝોન ઇન્ચાર્જ આદરણીય બ્રહ્માકુમારી નેહા દીદીજી સાથે વરિષ્ઠ રાજયોગ શિક્ષિકા બી.કે. નંદિનીબહેન અને બી.કે. નંદાબહેન પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ અમદાવાદથી આવેલા પ્રખ્યાત બી.કે. ડૉ. દામિનીએ તેમના સુમધુર અવાજથી આધ્યાત્મિક ગીતો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી પરમાત્મ અનુભૂતિ કરાવી. આ પ્રોગામનું કુશળ સંચાલન બી.કે. પુનમબેન અને નંદાબેન કર્યું હતું. આમંત્રિત મહેમાનોનું તિલક, ખેસ અને ઈશ્વરીય સોગાત આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ દીપ પ્રજવલિત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ ભક્તો માટે ૧૨ જ્યોતિર્લિંગ, ગોમતી ચક્રથી બનેલા કલાત્મક શિવલિંગ અને ચાર લાખ હીરા જડિત ૪ ફૂટ ઊંચા વિશાળ શિવલિંગના દર્શન શરૂ કરવામાં આવ્યા. શિવલિંગની એક બાજુ, ભક્તોએ શ્રી લક્ષ્મી નારાયણ અને રાધે કૃષ્ણને સતયુગની ઝલક સાથે જોયા, તો બીજી બાજુ, ભક્તોએ દેવીઓ અને બાબા અમરનાથ ગુફાના સુંદર ચૈતન્ય ચિત્રો જોયા. આ પછી, વિવિધ સ્ટોલ પર રાજયોગ પ્રદર્શન, શિક્ષણ અને વ્યસન મુક્તિમાં નવી દિશા અને મૂલ્ય રમત પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બી.કે. સેવાધારી ભાઈઓ અને બહેનોએ પ્રદર્શન વિશે મુલાકાતીઓને વિધિવત માર્ગદર્શન આપ્યું હતું. બીજી તરફ, માઇન્ડ સ્પા અને મૂડ ક્લિનિક નામનો કાઉન્સેલિંગ સ્ટોલ, શારીરિક સ્વાસ્થ્ય માટે બોડી એન્ડ માઇન્ડ ફિટ એન્ડ ફાઈન નામનો હેલ્થ સ્ટોલ અને યોગના અનુભવ માટે પરમાત્મા અનુભૂતિ ક્લાસ નામનું મિની થિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેનો મુલાકાતીઓ પૂરો લાભ લઈ રહ્યા છે અને પ્રશંસા કરી રહ્યા છે. આ પછી, બી.કે. નેહા દીદીજીએ મંચ પરથી બધાને મહાશિવરાત્રીનો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો અને કહ્યું કે ભગવાનને પોતાના દુર્ગુણોનું દાન કરવું એ ખરેખર શિવને સાચા સ્વરૂપમાં અક અને ધતુરા અર્પણ કરવા અને શિવરાત્રીનો સાચો ઉપવાસ અને રાત્રિ જાગરણ કરવાનો અર્થ સ્વપરિવર્તન અને આંતરીક શુદ્ધિકરણ કરી જીવનમાં જાગૃતિ લાવવાનો છે. આ રીતે, ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ આધ્યાત્મિક મેળાનો લાભ દરેક વ્યક્તિ લઈ શકે છે, જેના માટે અટલાદરા સેવા કેન્દ્રના સંચાલિકા બી.કે. ડૉ. અરુણાબહેને શહેરના તમામ રહેવાસીઓને તેમના પરિવાર સાથે વધુમાં વધુ સંખ્યામાં મેળાનો લાભ લેવા અપીલ કરી.

Most Popular

To Top