સ્થાનિક કાર્યકરનો આક્ષેપ, ચકાસણીની જાણ થતાં જ તંત્રનો તાત્કાલિક પેચવર્ક કરીને ખામી છુપાવવાનો પ્રયાસ,
માટી પર જ ડામર પાથરવાની હકીકત સામે આવી
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. 12 હેઠળ આવતા અટલાદરા વિસ્તારમાં તાજેતરમાં બનાવવામાં આવેલા તળાવ પાસેના નવા રસ્તાની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. સામાજિક કાર્યકરોએ આ માર્ગમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અટલાદરા તળાવ પાસે કોર્પોરેશન દ્વારા થોડા જ સમય પહેલા નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ રસ્તો કાર્ય શરૂ થયા બાદથી જ નબળી ગુણવત્તા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. તાજેતરમાં રસ્તામાં ડામર ઊખડી પડતા અને સપાટી પર પોપડા નીકળતા દ્રશ્યો સામે આવ્યાં છે. રસ્તાની આ હાલતથી સ્થાનિક રહેવાસીઓમાં પણ નારાજગી ફેલાઈ છે.
સ્થાનિક સામાજિક કાર્યકરે જણાવ્યું કે, નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ તેઓ સ્થળ પર ચકાસણી કરવા જવાના હતા. પરંતુ તેમની ચકાસણીની જાણ થતાં જ સંબંધિત કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ અધિકારીઓએ તાકીદે પેચવર્કની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન રસ્તો સાફ કર્યા વગર જ માટી પર સીધું ડામર પાથરી દેવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે ડામર યોગ્ય રીતે ચોંટ્યો નહીં અને થોડા જ દિવસોમાં ઉપરની સપાટી ઉખડી પડી.
સ્થાનિકોએ જણાવ્યું કે જાહેર નાણાંથી થતા વિકાસ કાર્યોમાં જો ગુણવત્તા જાળવવામાં બેદરકારી દાખવવામાં આવે, તો તે નાણાનો વેડફાટ સમાન છે. આવી ખામી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય તપાસ કરીને કડક કાર્યવાહી થવી જોઈએ.