પ્રતિનિધિ જાંબુઘોડા
જાંબુઘોડાનો યુવાન ગત રાત્રે બોડેલીથી જાંબુઘોડા તરફ આવી રહ્યો હતો, તે સમયે અકસ્માત નડતા સારવાર મળે એ પહેલા જ મોત થયું હતું. ગત રાત્રે જાંબુઘોડાનો યુવાન રણભૂણ ઘાટી ખાતે રવેચી હોટલ ઉપરથી જમી પરવારી પરત જાંબુઘોડા આવવા માટે નીકળ્યો હતો. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા રોડ ઉપર અંધારામાં ફંગોળાતા સારવાર મળે તે પહેલા શિવમના પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું.
બનાવની સમગ્ર મળતી વિગત પ્રમાણે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામનો 23 વર્ષે યુવાન શિવમ કુમાર દેવેન્દ્રભાઈ લબાણા છેલ્લા બે વર્ષથી જાંબુઘોડા ખાતે ઇન્ડિયન પોસ્ટ માં ફરજ બજાવતો હતો અને જાંબુઘોડા ખાતે મકાન ભાડે રાખી રહેતો હતો.ગત રાત્રે જાંબુઘોડા બોડેલી રોડ ઉપર રણભૂમ ઘાટીની રવેચી હોટલ ઉપર પોતાની મોટર સાયકલ લઈને જમવા માટે ગયો હતો. જ્યાંથી શિવમ રાત્રે જમી પરવારી પરત જાંબુઘોડા ખાતે આવવા માટે નીકળ્યો હતો. તે સમયે રણભૂણ ઘાટી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે શિવમની બાઈકને ટક્કર મારતા શિવમ રોડની બાજુમાં ઝાડીઓમાં લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. પરંતુ રાત્રી ના સમયે અંધારું હોય તેની મદદ માટે કોઈ ઊભું ન રહેતા તેમજ એક રાહદારી જે પોતાની ફેમિલી સાથે લગ્ન પ્રસંગ માં થી બોડેલી તરફ જતા હતા તે સમયે તેઓની નજર પડતા રોડ ઉપર થી પસાર થતાં અન્ય વાહન ચાલક ને ઉભો રાખી ખાનગી વાહનમાં શિવમ ને બોડેલી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો. પરંતુ તે સમયે ઘણું મોડું થતા તાત્કાલિક સારવાર મળે એ પહેલા જ શિવમના પ્રાણ ઉડી ગયા હતા
જ્યારે અકસ્માતની જાણ શિવમના મિત્રો ને થતા તમામ મિત્ર મંડળ પણ તાત્કાલિક બોડેલી પહોંચી ગયા હતા. શિવમના મોત ના સમાચાર સાંભળી મિત્ર મંડળ માં પણ ભારે શોક છવાયો હતો. પરિવારજનોને બનાવની જાણ કરતાં પરિવારજનો પણ મોડી રાત્રે બોડેલી ખાતે દોડી આવ્યા હતા. જુવાન પુત્રના મોતના સમાચાર સાંભળી પરિવારજનોએ ભારે આક્રંદ કરતા ભારે દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે સમગ્ર બનાવ વિશે પી.એમ. કરાવી મૃતદેહને પરિવારને સોંપી આગળ ની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
