વડોદરા, તા. 28
શહેરના સમા વિસ્તારમાં આવેલા અગોરા મોલ ખાતે ફરી એકવાર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. મોલના 17મા માળે લિફ્ટનું કામ કરી રહેલો એક શ્રમિક અચાનક નીચે પટકાતા તેનું કરુણ મોત નિપજ્યું છે.
માહિતી મુજબ, શ્રમિક લિફ્ટ સંબંધી કામગીરી દરમિયાન કોઈ અગમ્ય કારણોસર નીચે ખાબક્યો હતો. ગંભીર ઇજાઓ થવાને કારણે સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ આ જ મોલમાં બીજા માળેથી પટકાતા એક હોમગાર્ડ જવાનનું મોત થયું હતું, જેના સીસીટીવી દૃશ્યો પણ વાયરલ થયા હતા. તાજેતરની આ બીજી ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્ટેશન નો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે અને વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.