તંત્રની નિષ્કાળજીની વધુ એક જીવતી સાક્ષી સામે આવી, ગતરોજ અકોટા વિસ્તારમાં ઘોડા ગાડી ભૂવામાં ખાબકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું
શું વડોદરાવાસીઓ ટેક્સ ખાડામાં પડવા માટે ભરે છે?
સ્માર્ટ સિટીના નામે જનતાને મળ્યા મોતની ખાઈ સમાન ભૂવા!
(પ્રતિનિધિ), વડોદરા | તા. 24
વડોદરા સ્માર્ટ સિટીની આ કેવી વરવી વાસ્તવિકતા? જ્યાં રસ્તાઓ માખણ જેવા હોવા જોઈએ, ત્યાં આજે મોતની ખાઈઓ ઊભી થઈ રહી છે. વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટ વહીવટ અને નબળી કામગીરીના પાપે સંસ્કારી નગરી હવે ‘ખડોદરા નગરી’ તરીકે ઓળખાતી થઈ રહી છે.

તાજેતરમાં અકોટા થી મુજમહુડા રોડ પર દુલા શેઠ ગાર્ડન પાસે પડેલો વિશાળ ભૂવો પાલિકાના એન્જિનિયરોની ક્ષમતા અને કોન્ટ્રાક્ટરોના કામની ગુણવત્તા પર જોરદાર તમાચો મારી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ જ જગ્યાએ અત્યાર સુધીમાં 4 થી 5 વખત ભૂવો પડી ચૂક્યો છે. આ આંકડો પોતે જ સાબિત કરે છે કે પાલિકાનુ ‘સમારકામ’ માત્ર કાગળ પર જ મજબૂત છે.

વારંવાર એક જ જગ્યાએ જમીન બેસી જવી કોઈ કુદરતી ઘટના નથી, પરંતુ તળિયા વગરના ભ્રષ્ટાચાર અને એન્જિનિયરિંગની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. શું દર વખતે અહીં માત્ર માટી નાખીને ‘થીગડાં’ મારવામાં આવે છે? કાયમી ઉકેલ લાવવામાં તંત્ર કયા ‘મુહૂર્ત’ની રાહ જોઈ રહ્યું છે?

ગતરોજ આ માર્ગ પરથી પસાર થતી એક ઘોડા ગાડી અચાનક આ કાળમુખા ભૂવામાં ખાબકી હતી, જેમાં ઘોડો ઇજાગ્રસ્ત થયો છે. વિચારવા જેવી બાબત એ છે કે જો આ ભૂવામાં કોઈ ટુ-વ્હીલર સવાર, વડીલ અથવા માસૂમ બાળકોથી ભરેલી સ્કૂલ રિક્ષા ખાબકી હોત, તો તેની જવાબદારી કોણ લેત? શું વડોદરા મહાનગર પાલિકા કોઈ નિર્દોષના જીવ જવાની રાહ જોઈ રહી છે?

શહેરના કરદાતા નાગરિકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતી પાલિકા બદલામાં જનતાને માત્ર જોખમી મુસાફરી જ આપી રહી છે. અકોટા જેવા વ્યસ્ત વિસ્તારમાં આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં, ઉચ્ચ અધિકારીઓ ‘કુંભકર્ણની નિદ્રા’માં પોઢેલા હોય તેમ જણાઈ રહ્યા છે. એસી કેબિનમાં બેસીને વિકાસના બણગાં ફૂંકતા અધિકારીઓને રસ્તા પર ઉતરીને જનતાની હાલાકી જોવાની ફુરસદ નથી.
લોક આક્રોશ: “અમને રસ્તા આપો, ખાડા નહીં!”
સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે વારંવાર એક જ જગ્યાએ ભૂવો પડે છતાં જવાબદાર એન્જિનિયરો સામે કાર્યવાહી કેમ થતી નથી? શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ તંત્ર જાગશે?
વડોદરાને ‘સ્માર્ટ’ બનાવતા પહેલા તેને ‘સલામત’ બનાવવાની તાતી જરૂર છે. વડોદરાની જનતા હવે આ ‘ગટર ગંગા’ અને ‘ભૂવા-રાજ’થી કંટાળી ગઈ છે. જો વહેલી તકે આ ભૂવાનું કાયમી સમારકામ નહીં થાય, તો આગામી દિવસોમાં પાલિકા કચેરીએ જન આક્રોશ જોવા મળશે તે નક્કી છે.