ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 35થી વધુ લોકો ઘાયલ થયા છે. 5-6 લોકોની હાલત ગંભીર છે. બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. આ અકસ્માત અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ત્યારે થયો હતો જ્યારે બસ કાબૂ બહાર ગઈ હતી અને ખીણની રેલિંગ સાથે અથડાઈને પલટી ગઈ હતી. ઘાયલોને પાલનપુર અને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. અંબાજીથી દાંતા વચ્ચે થયેલા અકસ્માતમાં 6નાં મોત તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયાં છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર ખસેડાયા છે. અક્સ્માતની જાણ થતાં જ કલેક્ટર, SP, Dy.SP, PI સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્રનો કાફલો ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.
બસમાં મુસાફરી કરી રહેલા તમામ લોકો અંબાજી મંદિરના દર્શન કરીને દાંતા શહેરમાં પરત ફરી રહ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ ખેડા જિલ્લાના કાથલાલ ગામના રહેવાસી છે. અકસ્માતના સમાચાર મળતા જ નજીકના ગામના લોકો ઘાયલોની મદદ માટે દોડી આવ્યા હતા.
દરમિયાન એક મુસાફરે જણાવ્યું કે બસ ઘાટ પર ચઢી રહી હતી તે વખતે ડ્રાઈવર મોબાઈલથી રીલ બનાવી રહ્યો હતો. અમે તેને મનાઈ કરી હોવા છતાં તે રીલ બનાવવામાં વ્યસ્ત રહ્યો. દરમિયાન ઘાટ પર હનુમાન મંદિર પાસે રેલિંગ સાથે અથડાતાં બસ પલટી ગઈ હતી. ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. બચાવકાર્ય શરૂ કરી મુસાફરોને બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.
ડ્રાઈવર નશામાં હોવાની શક્યતા
કેટલાક મુસાફરોનું કહેવું છે કે ડ્રાઇવર નશામાં હોવાનું જણાયું હતું. જેના કારણે તે અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જો પોલીસ તેને જલ્દી પકડીને તેનો મેડિકલ ટેસ્ટ કરાવે તો સમગ્ર સત્ય બહાર આવી શકે છે. પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે.