સુપ્રિટેન્ડન્ટની ઓફિસ બહાર હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો :
સમયસર પગાર નહીં થતા કર્મચારીઓને ગુજરાન ચલાવવા હાલાકી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.15
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં પગારમાં અનિયમિતતાના કારણે કોન્ટ્રાક્ટ ના સફાઈ કર્મચારીઓ આજથી આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે. જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશેની ચીમકી ઉચ્ચારી હતી.

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના સફાઈ કામદારો આજે વેતનની અનિયમિતતા મામલે મેડીકલ સુપ્રીટેન્ડેંટની આફિસ પાસે ધરણા પર બેસી જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં સાફ સફાઈ માટે આઉટસોર્સિંગથી સફાઈ કામદારોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સ્ટાફ દ્વારા સમગ્ર સયાજી હોસ્પિટલમાં સફાઈની કામગીરી કરવામાં આવે છે. અહી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છેલ્લા ઘણા સમયથી સમયસર વેતન મળતું નથી. મહિનાની સેલરી બીજા મહિનાના અંત સુધી મળે છે. જેથી કામદારો આર્થિક સંકડામણમાં આવી ગયા છે. વારંવારની રજુઆતો છતાંય આ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. સરકારી વિભાગમાં મુકવામાં આવતા બીલને મંજુર થતા જ સપ્તાહો લાગી જાય છે. જેના કારણે કામદારોને વેઠવાનો વારો આવે છે. 20 થી 22 દિવસ મોડો પગાર મળતા સફાઈ કામદારોના હપ્તાઓ અને ઘરખર્ચ માટે વ્યાજખોરો પાસે વ્યાજે રૂપિયા શોધવા પડે છે. જેથી તેઓ પાયમાલ થઇ રહ્યા છે. આજે સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટર તેમજ વહીવટી પ્રક્રિયા સામે વિરોધ વ્યક્ત કરવા એકત્રિત થયા હતા. અને વેતન નિયમિત મળે તેવી રજૂઆત કરી હતી. કર્મચારીએ જણાવ્યું હતું કે, પગારની કોઈ તારીખ નક્કી નથી,ગયા મહિને 22 તારીખે પગાર થયો આ મહિનાની 15 તારીખ થઈ ગઈ પણ પગાર ના કોઈ ઠેકાણા નથી,બિલ પાછા આવ્યા છે, ટેન્ડર પાસ નથી થયું આ બધું સાંભળવા મળી રહ્યું છે. વ્રજેશ એન્ટરપ્રાઈઝનો કોન્ટ્રાક્ટ છે. બધાને વ્યાજે પૈસા લઈ ઘર ચલાવવું પડે છે.લોનો લીધેલી છે એના સમય સર પૈસા ભરાતા નથી. વહેલો પગાર થવો જોઈએ.
