Vadodara

વડોદરા : ઓનલાઇન ‘તીન પત્તી’ ગેમના વ્યસનથી પતિ ભટક્યો, રૂ.6 લાખનું દેવું કર્યું

શંકા કરી પત્નીને શારીરિક–માનસિક ત્રાસ, કંટાળેલી પરિણીતાએ અભયમની મદદ લીધી
વડોદરા, તા. ___
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી એક પરિણીતાને પતિના ઓનલાઇન ‘તીન પત્તી’ ગેમના વ્યસનના કારણે શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગેમના રવાડે ચડેલા પતિએ આખો પગાર ઓનલાઈન ગેમમાં ઉડાવી નાખતા તેમજ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને રૂ.6 લાખથી વધુનું દેવું કરી નાખતા આખરે પીડિતાએ અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માગી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, તરસાલી વિસ્તારમાં રહેતા પતિ એક ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે કામ કરે છે. લગ્નને બાર વર્ષ થયા છે અને દંપતીને બે સંતાન છે. શરૂઆતમાં લગ્નજીવન સુખી હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી પતિ ઓનલાઇન તીન પત્તી ગેમના વ્યસનનો શિકાર બની ગયો હતો. પગાર મળતા જ આખી રકમ ગેમ અને વ્યસનમાં ઉડાવી દેતો, ઘરખર્ચની કોઈ જવાબદારી ઉઠાવતો ન હતો અને સતત ઝઘડા કરતો હતો.
પીડિતાએ અભયમ ટીમને જણાવ્યું હતું કે, પતિ ખોટા શંકા કરીને ગાળાગાળી, અપશબ્દો અને ધમકીઓ આપતો હતો. તેણી સીવણ ક્લાસ શીખવા જતી હોવા છતાં વારંવાર ફોન કરીને તું ક્યાં જાય છે, શું કરે છે તેવી ધમકીઓ આપતો અને ઘરમાં સીસીટીવી લગાવીને નજર રાખવાની વાતો કરતો હતો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિલ ન ભરતા પરિવાર આર્થિક સંકટમાં ફસાઈ ગયો હતો.
પરિસ્થિતિ કાબૂ બહાર જતા પરિણીતાએ અભયમ હેલ્પલાઇન પર કોલ કરી મદદ માગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને પક્ષોની વાત સાંભળી કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે પતિને કડક કાયદાકીય શબ્દોમાં સમજાવ્યું હતું કે જો હવે પછી પત્ની પર શારીરિક કે માનસિક ત્રાસ કરવામાં આવશે તો ઘરેલુ હિંસા કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ઓનલાઇન ગેમના વ્યસનથી થયેલા નુકસાન બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં પત્ની અને બાળકોની જવાબદારી નિભાવવાની અને ફરી આવી હરકત ન કરવાની ખાતરી આપતા, પત્નીએ પણ સમાધાન માટે સંમતિ આપતા અભયમ ટીમ દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top